ભરૂચ: ભરૂચ શહેરમાં પોલીસની માનવતા સભર કાર્યવાહીનો કિસ્સો સામે આવ્યો છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પટાંગણમાં બે દિવસથી એક બીમાર ગાય બેસી રહી હતી. ડી સ્ટાફના એએસઆઈ શૈલેષ નાઈ અને અજય ભરવાડે આ ગાયની સ્થિતિ જોઈને તાત્કાલિક પશુ ચિકિત્સકને બોલાવ્યા.
Decision News ને મળેલી માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. ભરવાડે જીવદયા પ્રેમી આશિષ શર્માની મદદ લીધી. પોલીસકર્મીઓએ 24 કલાક સુધી ગાયની સતત દેખરેખ રાખી પોલીસે ગાયને સમયસર દવા અને ખોરાક આપવાની વ્યવસ્થા કરી. મરણપથારી પર પડેલી ગાય ધીમે ધીમે સાજી થઈ ગઈ. હવે તે ચાલતી-ફરતી થઈ ગઈ છે.
સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓએ પોલીસની આ માનવતાભરી કામગીરીને બિરદાવી છે. સામાન્ય રીતે કડક વલણ માટે જાણીતી પોલીસની આ જીવદયા પહેલથી તેમની છબીમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. અબોલ પશુના જીવને બચાવવા માટે ખાખી વર્દીધારીઓની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

