બારડોલી: આજરોજ બારડોલીનાં ભુવાસણ ખાતે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ શાળાના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના બહાર આવી છે. વિદ્યાર્થિનીએ આપઘાત કેમ કર્યો તે પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી.
Decision News ને મળેલી માહિતી અનુસાર બારડોલી તાલુકાનાં ભુવાસણ ગામે આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર શાળાનાં બાથરૂમનાં લિન્ટર પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં શાળાના સંચાલકોએ પોલીસ તેમ જ વાલીને જાણ કરી હતી અને તેઓની હાજરીમાં વિદ્યાર્થિનીનાં મૃતદેહને નીચે ઉતારી પીએમ અર્થે બારડોલી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક વિદ્યાર્થિની તાપીના ઉચ્છલ તાલુકાની રહેવાસી હતી અને છેલ્લા 1 વર્ષ થી બારડોલીનાં ભુવાસણ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળામાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીએ આપઘાત કેમ કર્યો તે અંગે હાલ કોઈ માહિતી સામે આવી નથી. પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા અને હત્યા થઈ છે કે આત્મહત્યા તેની તપાસ હાથ ધરી છે.

