માંડવી: માંડવી તાલુકાના બલેઠી ગામના મંદિર ફળિયામાં ગત મોડી રાત્રે બે લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી હતી. સૌ પ્રથમ જલારામ ટ્રાવેલ્સની બસ (GJ 01 D2 9768)માં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બાજુમાં પાર્ક કરેલી શિવ શક્તિ ટ્રાવેલ્સની બસ (GJ 02 VU 9790) પણ આગની લપેટમાં આવી ગઈ હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર ઘટનાની જાણ થતાં માંડવી ફાયર વિભાગના ઓફિસર રાજેશ જોધપુરી અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે અઢી કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં બંને બસોને મોટું નુકસાન થયું છે.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બસ માલિકોને આ ઘટનાને કારણે મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સુરત જિલ્લામાં આ વધુ એક આગની ઘટના નોંધાઈ છે.

