સુરત: ડીંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ પર આગળ જતા ટ્રકમાં પાછળથી બાઈક ભટકાતા બાઈક સવાર બે મિત્રો પૈકી ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું.જ્યારે મિત્ર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલમાં દાખલ કરાયો છે.ડીંડોલી મણીનગર રેલ્વે ફાટક પાસે રહેતો 17 વર્ષીય શિવા આશિષ ઓઝા એ ધોરણ 10ની પરીક્ષા આપી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ તેના પિતા ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરે છે અને તેઓ યુપી અલ્હાબાદના વતની છે. શનિવારે મોડી રાત્રે શિવા સ્પોર્ટસ બાઈક લઇ તેના મિત્ર 22 વર્ષીય અરુણ રામપ્રસાદ કનોજીયા સાથે નીકળ્યો હતો.બંને મિત્રો ડીંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ પરથી પસાર થતા હતા,ત્યારે શિવાએ બાઈક પરથી કાબુ ગુમાવ્યો.
કાબુ ગુમાવી દેતા આગળ પસાર થતા ટ્રકમાં બાઈક પાછળથી ભટકાઈ હતી. આ અકસ્માતમાં શિવા અને અરુણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી બંનેને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે શિવાને મૃત જાહેર કર્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત અરુણને સારવાર માટે દાખલ કરાયો છે. ડીંડોલી પોલીસે તપાસ શરૂ કરી છે.

