સોનગઢ: ગતરોજ સોનગઢ તાલુકાના સેરૂલા ગામે સ્થાનિક મંડળીઓ તથા આગેવાનો દ્વારા ઉકાઇ ડેમમાં 15000 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરનાર સોલાર પાવર પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી આક્રોશ જનસભાનું આયોજન કરવામા આવ્યુ હતુ .
ગુજરાત ભાજપ સરકાર આદિવાસી વિસ્તારોને ચોક્કસ કારણોસર નિશાન બનાવીને નવા નવા પ્રોજેક્ટો લાવીને આદિવાસી સમુદાય ને વિસ્થાપિત કરી રહી છે. 4-5% ઔધોગિક માલેતુજારોને છાવરવા જળ-જંગલ-જમીન અને પર્યાવરણ નુ જતન કરતા ભોળા આદિવાસીઓને બરબાદ કરી રહી છે. ગુજરાતમાં 1 કરોડ 20 લાખ (કુલ વસ્તી ના 15%) આદિવાસી સમાજના લોકો 2011 ની જનગણના મુજબ છે જે જાતિઆધારિત સૌથી મોટો સમુદાય છે. ભારતના સંવિધાનમાં આપેલા આદિવાસીઓના વિશેષ સંરક્ષણ કાયદા, પેસા કાનુન, રુઢિગત ગ્રામસભાઓના પાવરનુ ઉલ્લંધન કરીને આદિવાસીઓની આજીવિકાઓ, સંસ્કૃતિ તથા પૂર્વજોના વારસાથી વિસ્થાપિત કરીને એમના માનિતા શાહુકારોને વધુ અમીર બનાવી રહી છે.
પરંતુ આજે મોટાભાગના આગેવાનો (ભાજપ પક્ષ સિવાય ) એક મંચ પર આવ્યા અને આ તમામ પ્રોજેક્ટોને કોઇપણ ભોગે આવવા નહીં દઈએ એવો હુંકાર કર્યો હતો. આદિવાસી સમાજના લોકોએ હવે તીર- કામઠા , પાળીયા, દાતરડા સાથે લઈને બજારમાં જવા, આંદોલનમાં જવા કે ગામ -શહેરમા ફરવાનું આહવાન કર્યું હતું. રુઢિગત ગ્રામ સભાઓ યોજીને આ પ્રોજેક્ટો વિરુદ્ધમાં ઠરાવ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ આહવાન કર્યું હતું. જ્યાં સુધી આ પ્રોજેક્ટો રદ્દ નથી થતા ત્યાં સુધી આંદોલનો અને સરકારી કચેરીઓના ઘેરાવોના પ્રોગ્રામો આપતા રહેવાનું તથા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને ગામ મા પ્રવેશ ન આપવાનું એલાન કર્યું હતું.

