બોડેલી: 100 કરોડ ડેમ અને 28 કરોડની રૂપિયા કેનાલ માટે મંજૂર કરી આધુનિક ટેક્નોલોજીથી ગુજરાત સરકાર દ્વારા છોટાઉદેપુરમાં બોડેલીના રાજવાસણા ગામે હિરણ નદી પર રાજ્યનો પ્રથમ રબર ડેમ બનવાનું એલાન કરવામાં આવ્યું છે.

Decision news ને મળેલી માહિતી મુજબ હિરણ નદી પર આ જ જગ્યાએ વર્ષ 1956માં મુંબઈ રાજ્ય દરમિયાન એક આડબંધ બનાવવામાં આવ્યો હતો. આ આડબંધ વર્ષો સુધી આજુબાજુના 60 ગામો માટે આશીર્વાદરૂપ સાબિત થયો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તેમાં કાંપ ભરાઈ જવાને કારણે તે છીછરો થઈ ગયો હતો. જેના લીધે પાણીનો યોગ્ય સંગ્રહ થઈ શકતો ન હતો અને આસપાસના ગામોમાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા વધી ગઈ હતી. સ્થાનિક આગેવાનો દ્વારા આ આડબંધને તોડીને નવો ડેમ બનાવવા માટે સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જેના પરિણામે ગુજરાત સરકારે રાજવાસણા ખાતે નવા રબર ડેમ બનાવવાની મંજૂરી આપી છે. આ માટે રૂ. 100 કરોડ ડેમ બનાવવા અને રૂ. 28 કરોડ કેનાલ માટે મંજૂર કરવામાં આવ્યા છે.

હાલમાં આ ડેમ બનાવવા માટે એજન્સીની નિમણૂક કરી વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં રબર ડેમનું બાંધકામ, કાંપ દૂર કરવાનું કામ અને નદી કિનારે દીવાલ બનાવવાનું કામ હાથ ધરાશે. જ્યારે બીજા તબક્કામાં ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવા માટે કેનાલની કામગીરી કરવામાં આવશે. આ નવીન ટેકનોલોજીથી પંથકના 60 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી સરળતાથી મળી રહેશે.