વાપી: વાપી મહાનગરપાલિકાએ શહેરના નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. LC NO. 80 પાસે નવનિર્મિત પેડેસ્ટ્રિયન સબવેનું લોકાર્પણ રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું છે. અમૃત યોજના 1.0 અંતર્ગત નિર્માણ પામેલા આ સબવેની લંબાઈ 72.895 મીટર છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર તેમાં 895 મીટર બોક્સ અને 20,000 મીટર એપ્રોચનો સમાવેશ થાય છે. RCC બોક્સની પહોળાઈ 5.5 મીટર અને ઊંચાઈ 2.5 મીટર રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટ ખાસ કરીને સ્વામીનારાયણ ગુરુકુળ, મધર ઓફ હોપ સ્કૂલ અને જૈન યુવક મંડળ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વરદાન સાબિત થશે. અગાઉ રેલવે લાઇન ક્રોસ કરતી વખતે અનેક વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ટ્રેન અડફેટે જીવ ગુમાવ્યા હતા.
મહાનગરપાલિકાએ રેલવે વિભાગને ડિપોઝીટ વર્ક તરીકે સોંપેલી આ કામગીરી હવે પૂર્ણ થઈ છે. 8.15 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ સબવે વાપીના ઇસ્ટ અને વેસ્ટ વિસ્તારને જોડતી મહત્વપૂર્ણ કડી બનશે. નાણાં મંત્રીએ લોકાર્પણ વેળાએ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

