વલસાડ: વલસાડ જિલ્લામાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2025ની પરીક્ષા આજે શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થઈ છે. જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના માર્ગદર્શન હેઠળ તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. કુલ 6286 વિદ્યાર્થીઓ 26 પરીક્ષા કેન્દ્રોના 316 બ્લોકમાં પરીક્ષા આપી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ પરીક્ષાનું આયોજન ત્રણ સેશનમાં કરવામાં આવ્યું છે. સવારે 10થી 12 દરમિયાન ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, બપોરે 1થી 2 દરમિયાન જીવવિજ્ઞાન અને બપોરે 3થી 4 દરમિયાન ગણિતની પરીક્ષાલેવામાં આવી રહી છેપરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે દરેક બ્લોકમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કુલ 316 CCTV કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી એલ. ટંડેલના નેતૃત્વમાં શિક્ષણ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

રેવન્યુ, શિક્ષણ, પોલીસ અને આરોગ્ય વિભાગના કુલ 780 કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ભૂલી આવ્યા હતા. તેમને સોશિયલ મીડિયા દ્વારા હોલ ટિકિટ મંગાવીને પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.