ઝઘડિયા: હાલમાં આદિવાસી વિસ્તારમાં હત્યા આત્મહત્યાના કિસ્સાઓ વધુ પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આજરોજ ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં એક શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ઝઘડિયા પોલીસમાંથી Decision News ને મળેલી વિગતો અનુસાર કરાડ ગામે રહેતા મહેશભાઇ કેશુરભાઇ વસાવાના કરાડ ગામની સીમમાં આવેલ સર્વે નંબર ૧૫૬ વાળા ખેતરમાં શેરડીનું વાવેતર કરેલું છે. હાલમાં શેરડીની કાપણીની સિઝન ચાલતી હોઇ મહેશભાઇના ખેતરમાં પણ શેરડી કાપવા મજુરો આવતા શેરડી કાપવા માટે અંદરનું ઘાસ સળગાવેલ હતું. ત્યારબાદ શેરડીનું કટિંગ કરાતા ખેતરમાં સળગેલ હાલતમાં એક માનવ કંકાલ નજરે પડ્યું હતું. આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ ઉપર પહોંચીને માનવ કંકાલનો કબ્જો લીધો હતો. પોલીસે આ સંદર્ભે જાણવાજોગ ફરિયાદના આધારે નોંધ કરી કાયદેસર તપાસ હાથ ધરી હતી.
સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે કે ખેતરના નજીક માંથી એક કપડાની થેલી અને ચંપલ પણ મળી આવ્યા છે અને સ્થાનિક ગામ કરાડ માંથી ત્રણ મહિના અગાઉ એક યુવતી ગુમ થઈ હતી, આ માનવ કંકાલ એનુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ ચોક્કસ તપાસ બાદ જ આ માનવ કંકાલ કોનું છે કેવા સંજોગોમાં અને ક્યારે આ અજાણી વ્યક્તિનું મોત થયું હશે તે બાબતે હાલ તો રહસ્ય સર્જાયું છે, જોકે પોલીસ તપાસ અને કંકાલનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ આ માનવ કંકાલના રહસ્ય પરથી પરદો ઉંચકાશે તેમ હાલતો જણાઇ રહ્યું છે.

