સુરત: સુરતના સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. 21 માર્ચને શુક્રવારે રાત્રે હોસ્પિટલના ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થયાની ઘટના સામે આવી છે. બાળક ચોરીની જાણ થતા જ હોસ્પિટલમાં ભારે હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ પ્રશાસન અને સુરત પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોએ હોસ્પિટલમાં પહોંચી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતાં.
Decision News ને મળેલી માહિતી અનુસાર જેમાં એક મહિલા બાળકને લઈને જતી દેખાઈ રહી છે. હાલમાં પોલીસે સીસીટીવીના આધારે આરોપી મહિલા સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધર્યા છે. બાળકને બિલ્ડિંગમાં બીજા માળે વધુ સારવાર માટે દાખલ કર્યા હતા. ત્યારબાદ કપડાની જરૂર હોવાથી ત્યાં લાવારીસ બેસેલી મહિલાને બાળક આપીને મારી બહેનને કપડું લેવા જવા માટે કહ્યું હતું. રાત્રે 9 વાગ્યાના સુમારે નજર ચૂકવીને એક મહિલા બાળકને થેલામાં નાખી ચોરી કરીને પલાયન થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા પરિવારે હોસ્પિટલમાં શોધખોળ હાથ ધરી હતી. આ સાથે જ હોસ્પિટલ તંત્રને અને પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. હોસ્પિટલના CCTV ફૂટેજમાં એક અજાણી મહિલા બાળકની માતા પર લગભગ 3 કલાક સુધી નજર રાખતી જોવા મળી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત કાઇમ બ્રાન્ચ અને ખટોદરા પોલીસ સ્થળે દોડી આવી હતી. તેમજ હોસ્પિટલમાં આવતા જતા તમામ લોકોની ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી
આ ઘટના નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઊભો કરે છે. પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગતરોજ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ આવ્યા હતા. હાલ સુપ્રિટેન્ડેન્ટ રજા પર હોવાથી સુપ્રિટેન્ડેન્ટનો ચાર્જ ડોક્ટર પારુલ વડગામાને આપવામાં આવ્યો છે. આરોગ્ય કમિશનરની મુલાકાત દરમિયાન વિવિધ વિભાગો સાથે બેઠક કરવામાં આવી હતી, જેમાં તમામ સુવિધાઓ અને સુરક્ષાને લઈને ઈનચાર્જ સુપ્રિટેન્ડેન્ટે વાહવાહી લૂંટી હતી. એ મુલાકાતની રાત્રે જ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકની ચોરીની ઘટના બનતા સુરત સિવિલ હોસ્પિટલના વહીવટકર્તાઓની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

