ચીખલી: ચીખલી તાલુકાના દેગામમાં કંપની દ્વારા કેમિકલ યુક્ત જણાતું કલર વાળું પાણી સ્થાનિકોતરમાં છોડવામાં આવી રહ્યું છે.ત્યારે જીપીસીબી દ્વારા જરૂરી નમુના લઇ તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેમ છે. દેગામમાંથી પસાર થતી કોતર કે જે આગળ પનિહારી ખાડીને મળે છે. આ કોતરમાં કંપની દ્વારા જે પાણી છોડવામાં આવી રહ્યું છે તે કેમિકલયુક્ત કલરવાળું જોવા મળી રહ્યું છે.

આ કંપનીની પાછળ મોટો ખેતીવાડી વિસ્તાર હોય આ પ્રકારના પાણીથી ખેતીપાકો અને જમીનને પણ આવનાર સમયમાં નુકસાનની ભીતી સેવાઈ રહી છે.વધુમાં દેગામના આ કોતરમાંથી નહેરનું પાણી સતત વહેતું હોય ખેડૂત પણ સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય છે. Decision News ને મળેલી માહિતી અનુસાર જેને લઇ ખેડૂતની મુશ્કેલી વધે તેવી શક્યતા છે. બીજી તરફ પાણીની ગુણવત્તા જોતા પ્રાથમિક દૃષ્ટિએ તો આવા પાણીથી જળચર જીવસૃષ્ટિનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાવા સાથે આવનાર સમયમાં ભૂગર્ભ જળ પણ બગડે તો નવાઈ નહીં.

દેગામના કોતરમાં કંપની દ્વારા છોડાતા પાણીના જીપીસીબી દ્વારા જરૂરી નમુના લઇ પરીક્ષણ કરી તટસ્થ કાર્યવાહી કરે તો વધુ હકીકત બહાર આવે તેમ છે ત્યારે જીપીસીબીના અધિકારીઓ દ્વારા તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું. બીજી તરફ સ્થાનિક પંચાયત આ બાબતે તપાસ કરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. છેલ્લા કેટલાક સમયથી જીપીસીબી અધિકારીઓ દ્વારા કોઇ નક્કર કામગીરી કરી હોય તેવુ પ્રકાશમાં આવ્યું નથી. જેને લઇ તેમની કામગીરીને લઇ અનેક સવાલો ઉઠતા રહ્યા છે.લેખિત રજૂઆત બાદ કાર્યવાહી કરવામાં આવશે ગામના કોતરમાં કંપની દ્વારા પાણી છોડવાની બાબતે ગામના ખેડૂતે મૌખિક રજૂઆત કરી હતી પરંતુ તેમને લેખિત રજૂઆત કરવા જણાવ્યું છે, જે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.