નર્મદા: રાજપીપળાના ધારાસભ્ય ચૈતર વસાવાએ SC/ST સમુદાય પર થતા અત્યાચાર અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તકેદારી-મોનીટરીંગ સમિતિના અધ્યક્ષને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું કે 1989નો અત્યાચાર નિવારણ કાયદો અને તેના 1995 અને 2016ના સુધારા છતાં યોગ્ય અમલવારી થતી નથી.

Decision News ને મળેલી માહિતી મુજબ પોલીસ FIR નોંધવામાં વિલંબ કરે છે. આરોપીઓ સામે માત્ર કલમ 151 લગાવી ટેબલ જામીન આપવામાં આવે છે. ચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે જિલ્લા મેજિસ્ટ્રેટથી માંડીને પોલીસ અધિકારીઓમાં પીડિતો પ્રત્યે સંવેદનશીલતાનો અભાવ છે. મહીસાગરના તત્કાલીન કલેક્ટર નેહા કુમારીના વિવાદાસ્પદ નિવેદનનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે અધિકારીઓ કાયદાના દુરુપયોગનો આરોપ લગાવે છે.

વિશેષ કોર્ટ અને વિશેષ પબ્લિક પ્રોસિક્યુટરની જોગવાઈ છતાં કેસો વર્ષોથી પેન્ડિંગ છે. SC/ST સમુદાયની જમીનો પર ગેરકાયદે કબજા થાય છે. લગ્ન પ્રસંગોમાં વરઘોડા દરમિયાન ઘોડા કે હેલિકોપ્ટરનો ઉપયોગ કરનારાઓને સોશિયલ મીડિયા પર ધમકીઓ મળે છે. ધારાસભ્યએ આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.