ભરૂચ: ભરૂચ ભુસ્તર વિભાગની ટીમે ઝઘડિયા તાલુકાના લિંભેટ ગામેથી કથિત ગેરકાયદેસર માટી ખોદકામની પ્રવૃત્તિ ઝડપી લઇને કુલ રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી રેતી સિલિકા પત્થર જેવી વિવિધ ખનિજોમાં મોટાપાયે રોયલ્ટી ચોરી ઓવરલોડ જથ્થો ભરવો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે.
ઝઘડિયા તાલુકામાં રહેલી વિપુલ ખનિજ સંપતિનો ગેરલાભ ઉઠાવી ખનિજ માફિયા પોતાની તિજોરી છલકાવી રહ્યા છે અને મોટી રોયલ્ટી ચોરી કરીને સરકારી તિજોરીને રીતસરનો ચુનો લગાડી રહ્યા છે,ત્યારે જિલ્લા ભુસ્તર વિભાગની ટીમે તાલુકામાં બેફામ બનેલ ખનિજ માફિયાઓને ઝડપી લઇને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરતા તાલુકામાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. મળતી વિગતો મુજબ ગતરોજ જિલ્લા ભુસ્તર વિભાગે તાલુકાના લિંભેટ ગામે ચાલતી માટી ખોદકામની પ્રવૃત્તિ પર આકસ્મિક રેઇડ કરી માટી ખનનમાં વપરાતા એક ટ્રક,ત્રણ ટ્રેકટર તેમજ એક જેસીબી મશીન મળી કુલ રુપિયા 50 લાખનો મુદ્દામાલ કબ્જે લઇને આ વાહનો ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકે સોંપીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ મળતી વિગતો મુજબ લિંભેટના અર્જુન સુપડભાઇ વસાવા પાસેથી એક ટ્રક તેમજ એક જેસીબી મશીન મળી કુલ રૂપિયા 35 લાખનો મુદ્દામાલ,લિંભેટના મહેશ વિજયભાઇ વસાવા અને વિજય રતનાભાઇ વસાવા પાસેથી એક ટ્રેક્ટર કિંમત રૂપિયા 5 લાખનો મુદ્દામાલ,લિંભેટના શૈલેશ જયંતીભાઇ વસાવા પાસેથી એક ટ્રેકટર કિંમત રૂપિયા 5 લાખનો મુદ્દામાલ તેમજ લિંભેટના કેવિન ચંદુભાઇ વસાવા પાસેથી એક ટ્રેકટર કિંમત રૂપિયા 5 લાખનો મુદ્દામાલ મળી કુલ રૂપિયા 50 લાખનો મુદ્દામાલ ભુસ્તર વિભાગે કબ્જે લઇને લિંભેટ ગામે ઝડપાયેલ આ માટી ખોદકામની પ્રવૃત્તિ બાબતે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોંધનીય છેકે તાલુકામાં વિવિધ ગ્રામ પંચાયતોની હદમાં આવી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા આ બાબતે તાલુકા જિલ્લા સ્તરે રજુઆત કરવી જોઇએ,પરંતું તાલુકામાં ઘણી ગ્રામ પંચાયતોની હદમાં ગેરકાયદેસર ખનિજ ખનન ચાલતું હોવાથી જેતે સ્થળના સ્થાનિક પદાધિકારીઓ પણ શંકાના દાયરામાં આવે તે સ્વાભાવિક ગણાય.

