ચીખલી: ચીખલીના શખ્સને તમે ઓનલાઇન જોબ કરી પૈસા કમાવા માંગો છો તેવો સોશિયલ મીડિયામાં ટેક્ષ મેસેજ કરી 1 લાખનો ચૂનો ચોપડતા પોલીસે છ સામે છેતરપિંડી અને આઇટી એકટની જોગવાઈ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર ચીખલીના દભાડ મહોલ્લામાં રહેતા અને ફરિયાદી ભાવિક પરેશભાઈ પારેખને તા. 9/02/25ના રોજ તેમના ટેલીગ્રામ આઇડી ઉપર એલ ટેલીગ્રામ આઇડી પરથી તેમને ઓનલાઇન જોબ કરી પૈસા કમાવા માંગો છો તેવો ટેક્ષ મેસેજ આવ્યો હતો. જેથી તેમણે હા માં જવાબ આપતા ત્યારબાદ ફરી મેસેજથી જણાવેલું કે તમારે ઓનલાઇન રિવ્યુ આપવાના રહેશે.

તમને રીવ્યુ પ્રમાણે એક દિવસના રૂ. 1-2 હજાર કમાઈ શકશો.જેમાં પણ તેમણે હા માં જવાબ આપતા તેમની ટેલીગ્રામ લીંક સાથે જોડાવા જણાવી તેમના મોબાઇલ નંબરથી એકાઉન્ટ બનાવડાવી તેમની પાસેથી રૂ.1 લાખ ઓનલાઇન યુપીઆઇ આઇડીના ખાતામાં ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. તેમણે સાયબર હેલ્પ લાઇન નંબર ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસ દ્વારા ટેલીગ્રામ, આઇડીના ઉપયોગકર્તા એડમીન તથા અલગ અલગ યુપીઆઇ ભીમ યુપીઆઇ આઇડીના ખાતાધારક સહિત છ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત નો ગુનો નોંધી પીઆઇ કે.એચ. ચૌધરીએ તપાસ હાથ ધરી હતી.