સુરત: સુરત પાલિકા કમિશનરે વર્ષ 2025-26 નું ડ્રાફ્ટ બજેટ 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ જેમાં 4562 કરોડના કેપીટલ કામો હતા તે બજેટ રજુ કર્યું હતું. સ્થાયી સમિતિએ આ બજેટમાં 401 કરોડના વધારા સાથે 1004 કરોડનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે. સ્થાયી સમિતિએ આ બજેટ મંજુર કરતા સાથે જ પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટની રકમ 10 હજાર કરોડને પાર કરી ગઈ છે.
સુરત મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલે 2025-26નાં 9603 કરોડ રૂપિયાનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું. જેમાં 4562 કરોડના કેપીટલ કામો રજૂ કરવામાં આવ્યા હતા. સ્થાયી સમિતિએ બે દિવસની મેરેથોન ચર્ચા બાદ આજે સ્થાયી સમિતિએ બજેટ મંજુર કર્યું હતું. જેમાં સ્થાયી સમિતિએ મ્યુનિ. કમિશ્નરે રજુ કરેલા બજેટમાં 401 કરોડનો વધારો કર્યો છે અને કેપીટલ કામ મ્યુનિ. કમિશ્નરે બજેટમાં 4562 કરોડના સુચવ્યા હતા તેમાં 301 કરોડનો વધારો કરીને 4903 કરોડના કર્યા છે અને રેવન્યુ ખર્ચ 5041 કરોનો હતો. તેમાં 60 કરોડનો વધારો કરીને 5101 કરોડના કર્યા છે. બજેટમાં શિક્ષણ, રમત-ગમત, આરોગ્ય, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગ, હાઇડ્રોલિક વિભાગ, સહિત ડ્રેનેજ અને બ્રિજ-ફૂટ ઓવર બ્રિજ સહિત શહેરીજનો માટે વિવિધ સુવિધાઓ પ્રકલ્પો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
બજેટમાં પહેલીવાર પીપીપી ધોરણે કોમ્યુનીટી હોલ બનાવવા આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 10 નવા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. બજેટમાં લિંબાયત, વરાછા અને ઉધનામાં અલાયદા પાણી પુરવઠો પૂરું પાડવા આયોજન કરાયું છે. સાથે સાથે બાળ મરણ પર અંકુશ મેળવવા માટે નવજાત બાળકો માટે 50 આઈસીયુ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નિર્ણય કરાયો છે.
બજેટમાં શિક્ષણ સમિતિ માટે 44.50નાં વધારાની જોગવાઈ: સ્થાયી સમિતિ દ્વારા સને 2025-26ના બજેટમાં કરેલ આયોજન પૈકી શહેરના ગરીબ-શ્રમજીવી પરિવારોનાં બાળકો માટે આશીર્વાદ રૂપ શિક્ષણ સમિતિની શાળાઓમાં રમત-ગમતનાં સાધનોની કીટ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા રજુ કરવામાં આવેલ 1058 કરોડની જોગવાઈ સામે શાસકો દ્વારા 44.50 કરોડનો વધારો સુચવવામાં આવ્યો છે. સ્થાયી સમિતિ દ્વારા સુધારેલ બજેટમાં હવે શિક્ષણ સમિતિ માટે 1103 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
104 મીટરની ઊંચાઈનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદાશે: તક્ષશિલા હોનારત બાદ સુરત મહાનગર પાલિકા શહેરીજનોની જાન-માલની સુરક્ષા માટે કરોડો રૂપિયાના ખર્ચે ફાયર વિભાગને અત્યાધુનિક બનાવવાની દિશામાં ગંભીરતાપૂર્વક આગળ વધી રહ્યું છે. જેમાં સ્થાયી સમિતિ દ્વારા આગામી સમયમાં સુરત શહેરમાં ગગનચુંબી ઈમારતોમાં આગ જેવી હોનારતમાં અત્યંત જરૂરી 104 મીટરની ઉંચાઈનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવાનું નક્કી કરાયું છે.

