ખેરગામ: આજરોજ ખેરગામ બહેજ રોડ પર બેફામ ઝડપે ચાલતા વાહનોને લીધે થતાં વારંવાર અકસ્માતો નિવારવા માટે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા વારંવાર રજૂઆતો કરવા છતાં કાર્યવાહી નહીં કરવામાં આવતા ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા રસ્તારોકો આંદોલનની ચીમકી છે.
છેલ્લા કેટલાંક સમયથી બેફામ દોડતા ભારે વાહનોને લીધે ખેરગામ-બહેજ રોડ સામાન્ય રાહદારીઓ માટે અકસ્માત ઝોન બની ગયો છે.આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે 2 મોટી હોસ્પિટલો,છાત્રાલયો સહિત ભરચક માનવવસ્તી ધરાવતા વિસ્તારોમાં ડમ્પરચાલકો અને અન્ય ભારે વાહનો રોકેટની જેમ વાહનો ચલાવી સામાન્ય રાહદારીઓની જિંદગી જોખમમાં મુકતા હોય છે.આ બાબત હોસ્પિટલનાં દરવાજા પર લગાવેલ હાઈ ડેફીનેશન કેમેરામાં વિડિઓ રેકોડિઁગમાં જોઈ શકાય છે.2 વર્ષ પહેલા પોતાના નવા જન્મેલ પ્રથમ બાળકની છઠ્ઠીનાં દિવસે મહેમાનો માટે દૂધ લેવા નીકળેલ પિતાને બેફામ ડમપર ચાલકને કચડી નાંખતા પરિવારમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાય ગયેલો.ત્યારબાદ પણ ઘણીવાર નાના નાના અકસ્માતની વણઝાર આ રોડ પર ચાલુ જ રહી છે. રાજ્યમાં બેફામ બનેલા ડંપરચાલકોએ કાળો કેર વર્તાવ્યો છે.થોડા મહિનાઓ અગાઉ ભુજમાં ટ્રાફિક પોલિસ કર્મચારીની આંખ સામે જ એની ખુદની દિકરીને કચડી નાંખેલી.આવા તો અસંખ્ય પુરાવાઓ છે જેમાં આવા સ્પીડમાફિયાઓને કાયદાનો કોઈ ડર રહ્યો નથી તે તાદ્દસ દ્રષ્યમાન થાય છે.
ગઈકાલે સાંજે અમારી હોસ્પિટલની સામે જ જીવલેણ અકસ્માત થયો હતો જેમાં નાનકડી બાળા નિદિવા સહિત 3 જિંદગીઓને ગંભીર ઈજાઓ પહોંચેલ.પરંતુ આ રસ્તા પર વારંવારની રજૂઆત છતાં ઓવરસ્પીડ વાહનો પર પોલિસ ખબર નહીં કેમ પણ રહેમરાહ રાખીને કોઈ કાર્યવાહી નથી કરતી તે વિચારવા જેવી બાબત છે.મારી આર & બી વિભાગને પણ નમ્ર વિનંતી છે કે ચીખલી બગલાદેવ મંદિર, પાણીની ટાંકી નજીક,પાણીખડક ચોકડીની,ઘડોઇ ચોકડીની જેમ વ્યવસ્થિત દેખાય એ રીતે બમ્પર મુકવામાં આવે અને લોકોની સુખાકારીનુ વિચારવામાં આવે.આ બાબતે તાલુકા મેજિસ્ટ્રેટ કમ મામલતદારશ્રીને લેખિતમાં ફરિયાદ કરીને દિન-5 માં યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી છે,જો એ વિનંતી પૂરી નહીં કરવામાં આવે તો એને નકારવાનું યોગ્ય કારણ જે તે જવાબદાર અધિકારીએ આપવી પડશે.અને જો વારંવારની વિનંતી પછી પણ યોગ્ય કાર્યવાહી નહીં રાખવામાં આવે તો રસ્તારોકો આંદોલન અને સત્યાગ્રહ કરવામાં આવશે જેના માટે સ્થાનિક તંત્ર ખાસ કરીને ઓવરસ્પીડ વાહનોને છાવરતી ખેરગામ પોલિસ જ જવાબદાર રહેશે એ વાત તંત્ર ધ્યાને લે.

