આહવા: ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાય રહે, તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતીની ભાવના અનુભવાય અને સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જારી કરી અસામાજિક તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું છે.

જેમાં વ્યક્તિ વારંવાર શરીર સંબંધી ગુનાઓ સાથે સંકળાયેલા હોય, ખંડણી ઉઘરાવવા અને ધાક ધમકી આપવાના ગુનાઓ અથવા પ્રવૃતિમાં સંકળાયેલ હોય, વારંવાર મિલકત વિરુધ્ધ ગુનાઓ આચરતા હોય, પ્રોહી અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરતાં હોય, ખનીજ ચોરી જેવા ગુનાઓ જેવા સંકળાયેલા હોય, અન્ય કોઈપણ અસામાજીક કૃત્ય જેના કારણે આમ જનતામાં ભયની લાગણી ફેલાય, જેવા વિવિધ કૃત્યો કરનાર વ્યક્તિઓ વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા જણાવ્યુ છે.

જે મુજબ સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહ (IPS) ના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લામાં પણ અસામાજિક તત્વો વિરુધ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સક્રિયપણે દારૂ-જુગાર તથા ઘરફોડ ચોરી તેમજ પાસા-તડીપાર થયેલા, જેવી અસમાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ 9 જેટલા વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં 1) ગમજભાઇ જાનુભાઇ પવાર રહે.પીપલપાડા. તા. સુબીર, 2) સંજયભાઇ ગમજભાઇ પવાર રહે.પીપલપાડા. તા. સુબીર, 3) સાલેમભાઇ રામદાસભાઇ પવાર રહે. ચીંચધરા તા.સુબીર, 4) બીપીનભાઇ તુકારામભાઇ દેશમુખ રહે.સાકરપાાતળ તા.સુબીર, 5) વસીમભાઇ યુસુફભાઇ નાગાણી રહે.વઘઇ, 6) સોમનાથભાઇ ઉર્ફે પિન્ટુ લક્ષ્મણભાઇ ગાયકવાડ રહે.વઘઇ, 7) કાંચાભાઇ ગોપાળભાઇ ગૌતમ રહે.આહવા 8) કમલેશભાઇ રમેશભાઇ ચૌધરી રહે.આહવા, 9) સુરજભાઇ ઉર્ફે પીનુ રમેશભાઇ રહે.આહવા આ તમામ વયક્તિઓનું ગેરકાયદેસર બાંધકામ, સરકારી જમીન ઉપર દબાણ, ગેરકાયદેસર વીજ કનેશકન, બેન્ક એકાઉન્ટ/નાણાંકીય વ્યવહાર, ભાડુઆત રજીસ્ટ્રેશન વિગેરે ગેરકાયદેસર મિલકત/દબાણ જણાય આવે તો તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સક્રિયપણે દારૂ-જુગાર તથા ઘરફોડ ચોરી જેવા અવાર-નવાર ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ-09 અસામાજિક તત્વો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી અટકાયતી પગલા લેવામાં આવેલ છે, જેઓના જામીન રદ કરવામાં આવનાર છે. તેમજ ભવિષ્યમાં પણ આ ઈસમોની અસમાજિક પ્રવૃત્તિ ચાલુ રહેશે તો તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ડાંગ જિલ્લા પોલીસની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.