ધરમપુર: ધરમપુરના શેરીમાળ, ઝાડી ફળીયાના 69 વર્ષીય રામજી ખાલપુભાઇ માહલા સાંજના સમયે બીલપુડી ગામમાં ચા નાસ્તો કરી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.ત્યારે બીલપુડી, પાલકીભોયા ફળીયા, ધરમપુર – બરૂમાળ રોડ ઉપર બાઇક નં.GJ-15-AG-2461ના સિદુમ્બરના ચાલક રૂદ્ર પટેલે તેમને અડફેટે લેતા માથા અને શરીરે ગંભીર ઇજા થતા 108 એમ્બ્યુલન્સ મારફતે શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ ધરમપુરમાં લાવી સારવાર માટે દાખલ કરાયા હતા.

Decision News ને મળેલી માહિતી અનુસાર જ્યાં સારવાર દરમ્યાન તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના પુત્ર જગદીશ રામજીભાઈએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ આપી હતી. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં સૌથી વધારે માર્ગ અકસ્માતનો બનાવ બને છે.

જેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવતા હોય છે. બુધવારે વાપી વીઆઇએ ખાતે એક બેઠકમાં જિલ્લા એસપીએ જણાવ્યું હતું કે, જાન્યુ અને ફેબ્રુઆરીમાં જિલ્લામાં 65 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. જેથી હેલમેટ પહેરવાની અપીલ કરી હતી.