નવસારી: નવસારી શહેરમાં ડિજિટલ ઠગાઈનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સીતારામ નગરના 34 વર્ષીય સ્નેહલ ટંડેલ નામના યુવક સાથે સાયબર ઠગોએ 6.55 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે. ગુનેગારોએ 21 ઓગસ્ટ 2024થી બે દિવસ સુધી યુવકને ડિજિટલ રીતે નિશાન બનાવ્યો.

તેમણે મુંબઈ એરપોર્ટ પર દુબઈથી આવેલા પાર્સલનું બહાનું બનાવ્યું. Decision News ને મળેલી માહિતી અનુસાર આરોપીઓએ પોતાની જાતને ડાયરેક્ટર ઓફ એન્ફોર્સમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના અધિકારીઓ તરીકે ઓળખાવી હતી.ઠગોએ બનાવટી ED લેટર અને ફોરેન્સિક વોરંટ બતાવ્યા.

વધુમાં, મુંબઈ પોલીસના લોગોવાળી બનાવટી વોન્ટેડ લિસ્ટ બતાવીને યુવકને ધમકાવ્યો. તેમણે યુવક પર મની લોન્ડરિંગનો કેસ હોવાનું જણાવી, સુપ્રીમ કોર્ટમાં વેરિફિકેશન માટે પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું. આ રીતે યુવક પાસેથી કુલ 6,55,000 રૂપિયા બે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા. આ મામલે નવસારીના જલાલપુર પોલીસ સ્ટેશનમાં પાંચ અલગ-અલગ બેંક એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તપાસ શરૂ કરી છે.