નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વેડછા ગામમાં સ્વામિત્વ યોજના અંતર્ગત જમીન માપણીમાં મોટો વિવાદ સર્જાયો છે. હક્ક ચોકસી અધિકારી દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં જમીન ધારકોના ક્ષેત્રફળમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.ગ્રામજનોના આક્ષેપ મુજબ, ફિઝિકલ માપણી કર્યા વગર અને જમીન ધારકોને જાણ કર્યા વિના એકતરફી નિર્ણય લેવામાં આવ્યો છે.

રેવન્યુ સર્વેવાળી, વાડા-કાછાની, ગામતળની અને વેચાણ દસ્તાવેજવાળી તમામ જમીનોના ક્ષેત્રફળમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલાક લોકોના ક્ષેત્રફળો વધારી દેવામાં આવ્યા છે, જ્યારે સામાન્ય લોકોની જમીનના ક્ષેત્રફળમાં ઘટાડો કરવામાં આવ્યો છે.Decision News ને મળેલી માહિતી અનુસાર ગ્રામપંચાયતના સરપંચના મેળાપીપણામાં કેટલીક જમીનોને ગેરકાયદેસર રીતે સર્વે નંબરો આપવામાં આવ્યા છે. આ ફેરફારોને કારણે ગામમાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું છે અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઉભી થઈ છે.

ગ્રામજનોએ નવસારી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરને આવેદન આપ્યું છે. તેમની માગણી છે કે સ્વામિત્વ યોજના અંતર્ગત કરવામાં આવેલા તમામ ફેરફારો રદ કરી, મૂળ સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં આવે. જો આ માગણી નહીં સ્વીકારાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ પરિસ્થિતિ માટે તંત્ર અને ગ્રામપંચાયતના સરપંચને જવાબદાર ગણાવવામાં આવ્યા છે.