આજે20 મી માર્ચ સમગ્ર દુનિયામાં “વિશ્વ ચકલી દિન” તરીકે ઉજવવામાં આવે છે. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમને બચાવવા માટે માનવ જાત કંઈ નહીં કરે તો આ ચકલીઓ ખૂબ ઝડપથી હમેશાને માટે લુપ્ત થઈ જશે !આજથી 10-12 વર્ષ પહેલાં આપણા ઘરની આસપાસ જેટલી ચકલીઓ જોવાં મળતી તેટલી ચકલીઓ આજે જોવા મળે છે ખરી ? કદાચ આપણો જવાબ ના હશે.
ચકલીઓ ઘટવાનું કારણ: ચકલીઓની સંખ્યામાં ઝડપથી થઈ રહેલ ઘટાડા પાછળ માળો બાંધવાની જગ્યાનો અભાવ, ખોરાકની ઉપલબ્ધતામાં ઘટાડો, ખેત ઉત્પાદનો ઉપર રહેલ ઝેરી રસાયણોનો છંટકાવ, બ્રીડીંગ ઓપર્ચ્યુનીટીમાં ઘટાડો સહિતના કારણો ચકલીઓની ઘટતી જતી સાંખ્યામાં જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. આડેધડ ઝાડવાઓનું નિકંદન અને શહેરી વિસ્તારનો ઝડપથી વ્યાપ વધવાને કારણે ફ્રેન્ડલી નેબરહૂડ કહી શકાય તેવી ચકલીઓના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે. ઈન્ટરનેટ અને મોબાઈલ ટીવીના ઓડિયો-વિડીયો તરંગોના ઈલેક્ટ્રોમેગ્નેટીક રેડીયશને પણ ચકલીના ઘટાડામાં કોઈ કસર છોડી નથી.
- ચકલીઓને બચાવવા આટલું કરીએ:
[1] ‘નેસ્ટ હાઉસ’ બનાવીએ અને ઘરે લગાવીએ અને ચકલાંને ફરીથી ઘર નજીક વસાવીએ.
[2] ચકલાં માટે ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું અને થોડો ખોરાક જેમકે બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે અચૂક મુકીએ.
[3] દેશી અને ફળાઉ વૃક્ષો વાવીએ.
[4] ખેતર-બગીચામાં કુદરતી વાડ કરીએ. દેખાવમાં સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી છોડની બદલે પક્ષીઓને ઉપયોગી હોય તેવા કૂલ-છોડ રોપીએ.
[5] બાલકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપીએ.

