અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામમાં શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના બાકરોલ ગામની સીમમાં આવેલા અંબુભાઈ પટેલના ખેતરમાં બની છે.અંબુભાઈએ પોતાનું ખેતર બોટાદના મૂળ વતની અને હાલ કોસમડી ખાતે રહેતા જાદવભાઈ ઝાપડાને ગણોતે આપ્યું હતું.
Decision News ને મળેલી માહિતી અનુસાર આજે સવારે શેરડીની કાપણી માટે ખેતરમાં આગ લગાડવામાં આવી હતી. તે દરમિયાન શ્રમિકોને માનવ કંકાલ દેખાયું હતું. શ્રમિકોએ તરત જ ખેતર માલિકને જાણ કરી હતી.ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે પાનોલી પોલીસને જાણ કરી હતી.
ઘટનાની માહિતી મળતાં જ અંકલેશ્વરના ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.પોલીસે માનવ કંકાલનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અને FSL તપાસ માટે મોકલી આપ્યું છે. પોલીસ હવે આ કંકાલની ઓળખ, કોઈ વ્યક્તિની હત્યા કરી મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો કે કેમ તે સહિતની વિગતો મેળવવા તપાસ કરી રહી છે.

