વ્યારા: ભાજપના ધારાસભ્ય મોહન કોકનીએ જણાવ્યું હતું કે, મોરારી બાપુએ કરેલા દાવાઓનો કોઈ આધાર નથી. અમને જિલ્લામાં ખ્રિસ્તી ધર્મના કોઈ પણ શિક્ષકના ધર્મ પરિવર્તનમાં સામેલ હોવાના આક્ષેપો અથવા ફરિયાદો મળી નથી. બાપુએ તેમના નિવેદનોના પુરાવા આપવા જોઇએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 1970 પહેલાં આદિવાસી જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણનો અભાવ હતો. મિશનરીઓ આરોગ્ય સંભાળ અને શિક્ષણ લઈને આવ્યા અને લોકોએ તેમનો સ્વીકાર કર્યો. આ મિશનરીઓએ અમારા જિલ્લાના આદિવાસીઓને મદદ કરી હતી અને તેમને બીજી કોઈ બાબતની લાલચ આપી નથી.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં કામ કરતી સંસ્થા સમસ્ત ખ્રિસ્તી સમાજના તાપીના પ્રમુખ હરેશ ગામિતે જણાવ્યું હતું કે આ ખોટા આક્ષેપો છે. જો આવો કોઈ કેસ હોત તો ઓછામાં ઓછી એક એફઆઈઆર થઈ હોત. સરકાર પાસે કેટલાક પુરાવા હોત. અમે (ખ્રિસ્તીઓ) અહીં બહુમતી છીએ. આ જ કારણ છે કે તેઓ નવો વિવાદ ઊભો કરવા માગે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે ખુલ્લેઆમ ચર્ચા કરવા તૈયાર છીએ. અમે કહીએ છીએ કે આદિવાસીઓ હિન્દુ નથી તો પછી તમે કેવી રીતે કહી શકો કે તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે ? તેઓ દરરોજ તાપી જિલ્લાને બદનામ કરવા માટે ધર્માંતરણના આવા નિવેદનો આપતા રહે છે.

