વ્યારા: ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે શિક્ષકોની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવે છે, અને તેઓ નિયત અભ્યાસક્રમ ભણાવે છે. આદિવાસી હિંદુઓના ધર્મ પરિવર્તનમાં ખ્રિસ્તી શિક્ષકોની સંડોવણીની અમને આજ દિન સુધી કોઈ ફરિયાદ મળી નથી.

મોરારી બાપુના નિવેદનોને અમે વખોડી કાઢીએ છીએ, અને જિલ્લામાં સુખેથી રહેતા હિન્દુઓ અને ખ્રિસ્તીઓમાં તણાવ પેદા કરવા માટે આમ કરવામાં આવ્યું છે. ચૌધરીએ જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં આવો કોઈ મુદ્દો નથી, અને જિલ્લામાં એવું કોઈ ગામ નથી કે જ્યાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચે સંઘર્ષ હોય.

2009 માં મેં ગામમાં ચર્ચની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ બતાવે છે કે
સદીઓથી તાપી જિલ્લામાં ખ્રિસ્તીઓ છે. મોરારી બાપુ ધર્મની આડમાં માનવતાનો ધર્મ ભૂલી રહ્યા છે ધર્મના નામે એકતા અને સંપથી વર્ષોથી જીવન જીવતા આદિવાસી લોકોને ખ્રિસ્તી અને હિન્દુ માં વહેચવાનું ખોટું કામ કરી રહ્યા છે.