તાપી: સોનગઢ તાલુકાના મહુડી ગામે ખેતરમાં કામ કરતાં એક ખેડૂત પર બાજુમાં જ ખેતર ધરાવતાં ખેડૂતે જમીનની હદ બાબતની અદાવત રાખી માથાના ભાગે કુહાડીનાં બે ઘા મારી દેતાં તેમને સારવાર અર્થે વ્યારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Decision News ને મળેલી માહિતી અનુસાર સોનગઢ તાલુકા ના ગતાડી ગામે રહેતાં બચુભાઈ ભીલાભાઈ ચૌધરી ખેતી કરી ગુજરાન ચલાવે છે.તેમનાં ખેતરની બાજુમાં જ ભગુભાઈ મગનભાઈ ચૌધરીની માલિકીની જમીન આવેલી છે. આ બંને ખેતર વચ્ચેની હદ નક્કી કરવાની બાબતે ફરિયાદી બચુભાઈ અને આરોપી ભગુભાઈ વચ્ચે ઘણાં સમયથી તકરાર ચાલતી આવી છે અને આ અંગે ભૂતકાળમાં તેમની વચ્ચે ઝઘડો પણ થયો હતો. આ ખેતરની હદ બાબતની અદાવત રાખી ભગુભાઈ અવારનવાર ધમકી પણ આપ્યો કરતો હતો.રવિવારે બપોરના સમયે ભગુભાઈ મહુડી ગામે નદી કિનારે આવેલા તેમનાં ખેતરે ગયાં હતાં અને જૂના લાકડાં ભેગા કરી એક તરફ ગોઠવતાં હતાં. આ જ સમયે બાજુમાં ખેતર ધરાવતો ભગુભાઈ મગનભાઈ ચૌધરી  સોનગઢ પોતાનાં હાથમાં કુહાડી લઈને આવ્યો હતો અને કઈ પણ બોલ્યા વગર કુહાડી વડે બચુભાઈ ચૌધરીના માથામાં ઘા મારી દીધો હતો.

અચાનક થયેલા આ હુમલાના કારણે બચુભાઇ ચૌધરી લોહીલુહાણ થઈ જમીન પર ફસડાઈ ગયા હતાં ત્યારે આરોપીએ કુહાડી વડે માથાના પાછળના ભાગે વધું એક  ઘા મારી દીધો હતો. આ સમયે આસપાસના ખેતરમાંથી અન્ય લોકો દોડી આવતાં આરોપીએ બચુભાઈને ધમકી આપી હતી કે આજે તો તને છોડી દીધો છે બીજીવાર મળશે તો છોડીશ નહિ. માથામાં ગંભીર ઇજા પામેલાં બચુભાઈને સારવાર અર્થે વ્યારા ખાતેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ અંગે પોલીસે આરોપી ભગુ મગનભાઈ ચૌધરી સામે ગુનો દાખલ કર્યો હતો.