ધરમપુર: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર અને ધરમપુરના શેરીમાળ સબ સેન્ટરને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (એનક્યુએએસ) એટલે કે રાષ્ટ્રીય ગુણવત્તાની ખાતરી ધોરણોનું રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ફેબ્રુઆરી માસમાં રાષ્ટ્રીય સ્તરની ટીમ આરોગ્ય ક્ષેત્રે વિવિધ માપદંડોના મૂલ્યાંકન માટે વલસાડ આવી હતી.
ધરમપુર શેરીમાળના આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વિવિધ સર્વિસ પેકેજ જેવા કે સગર્ભા માતાની પ્રસુતિ, પ્રસુતિ પછીની સંભાળ, નવજાત શિશુ અને 1 વર્ષથી નાના બાળકના આરોગ્યની સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીઓને લગતી પુરતી આરોગ્ય સેવા, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ તેમજ તેને સંલગ્ન આરોગ્ય સેવાઓ, બિમારીના ઉપચાર રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સધન સંચાલન જેમાં સંચારી રોગચાળા સંબંધિત પ્રોગ્રામ અમલીકરણ, ડાયાબીટીસ, હાયપર ટેન્શન, કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન અને સારવાર તેમજ ઈમરજન્સી સેવાઓ સાથે કાર્યક્રમો તથા જનરલ એડમિનિસ્ટ્રેશન, ફાઈનાન્સનેલગતી વિવિધ બાબતો તથા આરોગ્યને લગતી સુવિધાઓનું ચેકિંગ રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી દર્દીને કેવી રીતે સારવાર આપવામાં આવે છે, દર્દીને સરકારી સેવાથી સંતોષ છે કે કેમ, અધિકારી અને કર્મચારીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, સરકારના નિયમ મુજબ રેકર્ડ ચકાસણી કરી હતી. ચકાસણી કર્યા બાદ પારનેરા- 2 પેટા આરોગ્ય કેન્દ્રને 86.59 ટકા અને ધરમપુરના શેરીમાળ આયુષ્યમાન આરોગ્ય મંદિરને 89.33 ટકા સાથે એનક્યુએ એસ પ્રમાણપત્ર એનાયત કરાયું છે. ઉલ્લેખનીય છે કે શેરીમાળના બે સબ સેન્ટર સાથે જિલ્લામાં કુલ 25 સબ સબેન્ટર, 11 પીએચસી અને 1 સીએચસીને રાષ્ટ્રીય કક્ષાનું એનક્યુએએસ પ્રમાણપત્ર મળતા વલસાડ જિલ્લામાં આરોગ્ય સેવા વધુ સુદઢ બની છે.

