ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બ્રિજ નીચે માછીમારી કરી રહેલા નાવિકોની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો છે. ગોકુલનગરમાં રહેતા 32 વર્ષીય યુવકે બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર સદભાગ્યે જે સ્થળે યુવકે છલાંગ લગાવી, ત્યાં માછીમારો માછીમારી કરી રહ્યા હતા. તેમણે તાત્કાલિક યુવકને બચાવી લીધો હતો.ઘટનાની જાણ થતાં પરિવારજનો નદી કિનારે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની મદદથી યુવકને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
યુવકે આ પગલું શા માટે ભર્યું તે અંગે કોઈ માહિતી મળી નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, નર્મદા મૈયા બ્રિજ પર સુરક્ષા નેટ ન હોવાથી આવી ઘટનાઓ બની શકે છે. લોકોની માંગ છે કે બ્રિજ પર સુરક્ષા નેટ લગાવવામાં આવે જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય.

