ડાંગ: ડાંગ જિલ્લાના દાબદર (ગીરા) ગામમાં બાળકોને લઈ જવાના મુદ્દે હિંસક ઘટના સામે આવી છે. વિજયભાઈ સુરેશભાઈ ચૌધરી પોતાના બે બાળકોને લેવા સાસરે પહોંચ્યા હતા. તેમની અને પત્નીના થોડા સમય પહેલા ગામના પંચો દ્વારા છૂટાછેડા કરાવવામાં આવ્યા હતા. વિજયભાઈએ પોતાના બાળકો જૈનિલ અને જીયાંશીને લેવાની વાત કરી ત્યારે સાસુરા પક્ષના દિનેશભાઈ શુક્કરભાઈ ભડાગ્યા સાથે બોલાચાલી થઈ. આ દરમિયાન વિજયભાઈ ઉશ્કેરાઈ ગયા અને ગાળાગાળી શરૂ કરી.
Decision News ને મળેલી માહિતી મુજબ ઘટના વધુ વણસી ત્યારે વિજયભાઈના પિતા સુરેશભાઈ અને તેમના પરિવારે દિનેશભાઈના પુત્ર રોહિતને માર માર્યો. દિનેશભાઈ પુત્રને બચાવવા ગયા ત્યારે તેમને પણ માર પડયો. સુરેશભાઈએ પથ્થર વડે દિનેશભાઈ અને રોહિતના માથામાં ઈજા પહોંચાડી. સુરેશભાઈની બે દીકરીઓ રોહિણીબેન અને શીતલબેને પણ ગાળાગાળી કરીને હુમલામાં સાથ આપ્યો.
ગંભીર ઈજાઓને કારણે દિનેશભાઈ અને રોહિતને વઘઈ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. દિનેશભાઈએ વિજયભાઈ, સુરેશભાઈ, રાજેન્દ્રભાઈ, રમિબેન, રોહિણીબેન અને શિતલબેન સામે વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે IPC કલમ 125(a), 352, 54, 115(1) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

