ભરૂચ: ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં બપોરે હિમાની કંપનીના કામદારોને લઈ જતી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી નજીક અચાનક આગ લાગી હતી. જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, બસ ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર આગની જાણ થતાં જ ચાલકે તાત્કાલિક બસને રોડની સાઈડમાં ઊભી રાખી હતી. તેણે તમામ કામદારોને સલામત રીતે બહાર કાઢયા હતા. ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગને કારણે માર્ગ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ભરૂચ તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક નિયંત્રણની કામગીરી સંભાળી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ વાહન માલિકને આર્થિક નુકસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, 2 માર્ચના રોજ પણ આ જ વિસ્તારમાં જીટીપીસીએલ કંપનીની બસમાં આગ લાગવાની ઘટના બની હતી. તે સમયે પણ તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.

