મધ્યપ્રદેશ: આજે પણ મધ્યપ્રદેશના બરવાણી જિલ્લાના પાનસેમલથી 95 કિમી દૂર આવેલું ખામઘાટ આદિવાસી ગામ વિકાસથી વંચિત છે. ટેકરીઓથી ઘેરાયેલું આ ગામ 600 જેટલી વસ્તી ધરાવે છે, પરંતુ અહીં પહોંચવા માટે પાકો રસ્તો નથી કે નથી કોઈ પ્રાથમિક સુવિધાઓ.
Decision News ને મળેલી માહિતી અનુસાર સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં છેલ્લા 12 વર્ષથી પ્રાથમિક શાળા ઝૂંપડામાં ચાલી રહી છે. ગામના બાળકો ધોરણ 1 થી 5 સુધીનું શિક્ષણ આ ઝૂંપડામાં મેળવી રહ્યા છે.કુલ 38 વિધાર્થીઓ માટે માત્ર 2 શિક્ષકો ફાળવવામાં આવ્યા છે, જેઓ 18 કિમી દૂર પાનસેમેલથી રોજ અહીં આવે છે.
શાળાની હાલત એટલી ખરાબ છે કે વરસાદમાં પાણી ટપકે છે અને શિયાળામાં ઠંડીથી બાળકો ઠુંઠવાઈ જાય છે. ગામના લોકોએ શાળાના બાંધકામ માટે જમીન પણ દાનમાં આપવા તૈયારી દર્શાવી છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. ગામના લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમના બાળકોને આ ઝૂંપડામાંથી મુક્તિ મળશે અને તેઓ હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મામલે કેટલા સમયમાં પગલા લેશે.

