ભરૂચ: ભરૂચમાં કવિઠા ગામના એક યુવાને પોલીસના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મૃતકની ચિઠ્ઠીમાં પોલીસ સામે દારૂનો ધંધો ફરી શરૂ કરવા દબાણ થતું હોવા ઉપરાંત પરિવારને પરેશાન કરાતા આપઘાત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર મૃતક કિર્તન વસાવાના ખિસ્સામાંથી મળેલી ચિઠ્ઠીમાં તેમણે નબીપુર પોલીસ મથકના પીઆઇ એમ કે પીયેજા પરમાર તેમજ બે જમાદાર રાજેન્દ્રસિંહ અને સંદિપ પર ખોટા કેસમાં ફસાવાના તેમજ મહિલાઓને હેરાન કરવાના આક્ષેપ કર્યાં હતાં.
હિરલ કિર્તન વસાવા જણાવે છે કે કાકાના મોબાઇલમાં ચેટિંગ એપ પર તેના પિતાના મોબાઈલથી ઓડિયો ક્લિપ આવી હોઇ તે તેમણે સાંભળતાં તેમાં તેના પિતાએ જણાવ્યું હતું કે, તેમણે નવીન બાબર પટેલના ખેતરમાં દવા પી લીધી છે. તેમને ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડયાં હતાં. ત્યાં સારવાર દરમિયાન મોત થયું હતું

