નવસારી: નવસારીના જલાલપોર તાલુકામાં વિદેશ નોકરીના નામે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. વલસાડના એક દંપતી અને દિલ્હીના એક વ્યક્તિએ મળીને નવસારીના યુવાન પાસેથી 5.30 લાખની ઠગાઈ કરી છે. રાણાભાઠા ગામના મંથન ટંડેલે 2023માં ગોવાથી જેપી રેટિંગ શિપિંગ કોર્સ પૂર્ણ કર્યો હતો. તેમના પિતાના મિત્ર મારફતે વલસાડના ધર્મેન્દ્ર ટંડેલનો પરિચય થયો.
Decision news ને મળેલી માહિતી મુજબ ધર્મેન્દ્રે મલેશિયામાં શિપિંગ ઇન્ડસ્ટ્રીમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. મંથને ધર્મેન્દ્ર અને તેની પત્ની કંચનબેનના બેંક ખાતામાં હપ્તે-હપ્તે કુલ 5.30 લાખ રૂપિયા જમા કરાવ્યા. ધર્મેન્દ્રે દિલ્હીના વિનોદકુમાર સિંહ સાથે પણ ઓળખાણ કરાવી, જે મલેશિયામાં નોકરીની વ્યવસ્થા કરવાના હતા. 6 સપ્ટેમ્બર 2024ના રોજ મંથન મુંબઈથી મલેશિયા પહોંચ્યા. ત્યાં સ્થાનિક એજન્ટે જણાવ્યું કે વિનોદકુમાર સિંહે કોઈ ફી ચૂકવી નથી. આથી નોકરીની વ્યવસ્થા થઈ શકે તેમ નથી. મંથન ત્રણ દિવસ મલેશિયામાં રોકાયા બાદ ભારત પરત ફર્યા હતા.
આ મામલે મંથને જલાલપોર પોલીસ મથકમાં ધર્મેન્દ્ર, તેની પત્ની કંચનબેન અને વિનોદકુમાર સિંહ વિરુદ્ધ છેતરપિંડીની કરિયાદ નોંધાવી છે. નવસારી NRI જિલ્લો હોવાથી અહીંના ઘણા યુવાનો વિદેશમાં નોકરી મેળવવા ઇચ્છે છે. આવા યુવાનોને નિશાન બનાવી ઠગ એજન્ટો છેતરપિંડી કરતા હોવાના કિસ્સા અગાઉ પણ નોંધાયા છે.પોલીસ સ્ટેશન જલાલપોર પોલીસ સ્ટેશન ફરિયાદી મંથન ટંડેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ધર્મેન્દ્ર ટંડેલે મને મલેશિયામાં નોકરીની લાલચ આપી ત્રણ દિવસ મને એરપોર્ટ અને હોટલમાં રાખી મારી સાથે છેતરપિંડી કરી હતી, જેથી મેં ભારત આવી ધર્મેન્દ્ર પટેલ તેની પત્ની અને વિનોદસિંગ સામે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

