વલસાડ: વલસાડ તાલુકાના ભાગલ ગામમાં સ્થાનિક યુવકો અને ગામના અગ્રણીઓ દ્વારા પરંપરાગત બળદગાડા રેસનું આયોજન કરવામાં આવ્યું. આ રેસનું આયોજન છેલ્લા 5 વર્ષથી ધુળેટી પર્વ નિમિત્તે કરવામાં આવે છે.આધુનિક યુગમાં યુવાનો અને બાળકો મોબાઇલ અને ઇન્ટરનેટની દુનિયામાં વ્યસ્ત રહે છે.
આ સમયે ગ્રામ્ય કક્ષાએ યુવાનો અને બાળકોમાં બળદગાડાનું મહત્વ સમજાવવાનો આ એક પ્રયાસ છે. સ્થાનિક પરંપરા અને ખેડૂત સંસ્કૃતિને જીવંત રાખવાનો આ અનોખો પ્રયાસ છે. Decision news ને મળેલી માહિતી અનુસાર આ સ્પર્ધામાં સ્થાનિક 8 બળદગાડા સંચાલકોએ ભાગ લીધો હતો.
આ રેસ જોવા માટે આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધકો પાસેથી કોઈ એન્ટ્રી ફી લેવામાં આવી ન હતી. સ્પર્ધાના અંતે વિજેતા અને રનર-અપ સ્પર્ધકોને ગામના અગ્રણીઓના હસ્તે ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવ્યા. આ રીતે નવી પેઢીને પરંપરાગત ખેતી સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

