વલસાડ: વલસાડ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.આર.જહાએ જિલ્લાના મુખ્ય વિસ્તારોમાં CCTV કેમેરા લગાવવાનો હુકમ કર્યો છે. વલસાડ જિલ્લામાં કેમિકલ, ગારમેન્ટ, પ્લાસ્ટિક સહિતના અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. આ કારણે અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. ભૂતકાળમાં થયેલા વિવિધ ગુનાઓની તપાસમાં CCTV ફૂટેજ ખૂબ મદદરૂપ સાબિત થયા છે.
નવા હુકમ અનુસાર, બિલ્ડિંગની આગળ-પાછળ, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને પાર્કિંગમાં હાઈ ડેફિનિશન CCTV કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા ટ્રાફિક નિયમન, રોડ અકસ્માત અને અન્ય ગુનાઓની તપાસમાં ઉપયોગી થશે. આ વ્યવસ્થા રહેણાંક વિસ્તાર, સોસાયટી, શાળા-કોલેજ, બેંક, શોપિંગ મોલ અને વાણિજ્યિક વિસ્તારોમાં લાગુ કરવામાં આવશે. આનાથી સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકોની સુરક્ષા વધુ મજબૂત બનશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 હેઠળ આ હુકમ જારી કરવામાં આવ્યો છે.
- CCTV લગાવવાના જરૂરી સ્થળો
• (1) સમગ્ર વલસાડ જિલ્લામાં શાળા, કોલેજ અન્ય શૈક્ષણિક સંસ્થા તથા એજયુકેશન સાથે જોડાયેલી -સંસ્થાઓ.
• (2) હોટલ, રેસ્ટોરન્ટ, ફુડ ઝોન, પેટ્રોલપંપ, ગેસ ફીલીંગ સ્ટેશન.
• (3) શોપિંગ મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, કોમર્શિયલ બિલ્ડીંગ
• (4) બેન્કો, આંગડીયા પેઢી, ફાયનાન્સ ઓફીસ/પેઢી.
• (5) ટ્રાવેલ્સ એજન્સી, ટ્રાન્સપોર્ટ ઓફીસ, કુરીયર ઓફીસ.
• (6) વાહનના શો- રૂમ, જવેલરી શોપ, મોબાઇલ શોપ, ઇલેકટ્રોનીકસ શો-રૂમ.
•(7) ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેર હાઉસ, મોટા કદના ગોડાઉન.
•(8) હોસ્પિટલ, લેબોરેટરીઝ, દવાખાના.
•(9) મોટા શાકભાજી માર્કેટ/માર્કેટીંગ યાર્ડ.
• (10) હાઇરાઇઝ/લો-રાઈઝ બિલ્ડીંગ, ક્લબ હાઉસ,મોટા કદના ઔદ્યોગિક એકમ.
• (11) રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન વિગેરે જગ્યાએ આવેલા ખાનગી પે એન્ડ પાર્કિંગ.
•(12) ધાર્મિક સ્થળ તથા ખાનગી મનોરંજન સ્થળ જેવા કે, સિનેમા, જીમ, વોટર પાર્ક, સ્વીમીંગ પુલ, ગેમ ઝોન, રમત- ગમતના સ્થળ.
આ હુકમ તા. 12/03/2025 થી તા. 10/05/2025 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને ભારતીય ન્યાય સંહિતાની કલમ-223ના મુજબ સજા/દંડ થઈ શકશે. વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેથી ઉપરનાં હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે.

