છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે હોળી એટલે સ્થાનિકો ઉપરાંત વિસ્તાર છોડી અન્ય જગ્યાએ નોકરી ધંધા કે મજુરી કામે બહાર ગયેલ આદિવાસી ઓ માદરે વતન પરત ફરતા હોય છે, નોકરી ધંધા કે મજુરી કામે ગયેલા આદિવાસીઓએ હોળી એ અચૂક ઘરે પહોંચી જતા હોય છે, અહીંના આદિવાસીઓની કહેવત છે કે દિવાળી અટટે-કટટે પણ હોળી તો વતનમાં જ, એના પરથી જ હોળીનું મહત્વ આંકી શકાય, વર્ષ દરમ્યાન કરેલ કમાણીમાંથી હોળીએ નવા કપડાંથી લઈને ખરીદી કરતા હોય છે.
છોટાઉદેપુર જિલ્લાનાં પાણીબાર ગામના આદિવાસી સમાજના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે આજે અમારા ગામ પાણીબાર ખાતે વર્ષોથી ભરાતો પરંપરાગત ચૂલના મેળામાં ગામેગામ થી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તેઓ વધુ માહિતી આપતાં જણાવે છેકે હોળીના તહેવારના આગલા દિવસે ગામ પટેલ દ્વારા ગામ કોટવાળને સૂચના આપી એ…. આજે ખાખરા છે અને આવતીકાલે હોળી છે…! નો પોકાર આખા ગામને ફળીયે ફળીયે પડાવવામાં આવે છે, જેનું ગામ લોકોએ પાલન કરી મળેલ સૂચનાને અનૂસરી જરુરી તૈયારીમાં જોતરાય જતા હોય છે, હોળીના આગલા દિવસે જે જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવે તે જગ્યાએ ખાખરા સળગાવીને હોળીની જગ્યા સાફસૂફ કરવામાં આવે છે ત્યારબાદ જે દિવસે હોળી પ્રગટાવવાની હોય તે દિવસે આખા ગામમાંથી બળદગાડામાં સ્વેચ્છાએ સૌએ લાકડા અને છાણાં એકત્ર કરીને હોળીની જગ્યા પર પહોંચાડાય છે,
ત્યારબાદ જરુરી પૂજન વિધિ વખતે અડદના ઢેબરાં, અડદના પાપડ ચોખાની પાપડી તથા ડુંડીયા મહુડાના ફૂલમાંથી તૈયાર કરવામાં આવેલ કોરી ભાટીની પહેલી ધાર પાડીને હોળી માતાનુ આસ્થાભેર પૂજન કરવામાં આવે છે, હોળી પ્રગટાવયા બાદ સૌએ હોળીનો ઉપવાસ કરનારાઓએ હોળીની ફરતે પાંચ ફેરા ફરી નારિયેળ, ચણા અને ધાણી નાંખીને આસ્થાભેર પ્રદક્ષિણા કરે છે, હોળી સળગ્યા પછી હોળી ની મધ્યે રોપવામાં આવેલ ડાંડ અને ઝંડી કઈ દિશામાં પડે તેની પણ અલગ અલગ માન્યતા ઓ હોય છે, જ્યારે હોળી મધ્યે રોપવામાં આવેલ ઝંડીને આકાશમાંથી ઉડીને જમીન પર નીચે પડતાં પહેલાં ઝીલી લેનાર કુંવારાઓને પહેલે ખોળે પુત્ર પ્રાપ્તિ થશે ની પણ માન્યતાઓ રહેલી છે..! હોળી પ્રગટાવ્યા બાદ હોળી ફરતે આખી રાત મોટલા ઢોલ, દદુડી અને વાંસળી ખળખસીયા ઘૂઘરાના તાલે નાચી કુદીને આનંદ લૂંટતા હોય છે.
હોળી બાદ બીજા દિવસથી ઠેર ઠેર ચૂલના મેળા ઓ યોજાય છે, આદિવાસીઓ હંમેશા પ્રક્રુતિના રુતુચકૃ કેન્દ્રીત તહેવારો ઉજવવામાં માનનારો સમૂદાય છે આદિવાસીઓ માટે વર્ષની શરૂઆત એટલે અખાત્રીજ, અને હોળીનો તહેવાર ઉજવીને વર્ષ પુરું તેવું માને છે. પહેલાંના સમયમાં વર્ષ દરમ્યાન રાખવામાં આવેલ નોકર-ચાકર પણ હોળી સુધી બંધાયેલ ગણાતો, અને જે વખતે પીયતનું પ્રમાણ ખુબ ઓછું હોવાથી હોળી બાદ ગોવાળ જવાનું પણ બંધ કરી દેવામાં આવતું, ઢોર ઢાંખર પણ છુટ્ટા મુકી શકાય તેવી પ્રથા હતી.
હોળીએ આદિવાસીઓ માટે વર્ષનો છેલ્લો તહેવાર ગણાય છે, પુરા વર્ષ દરમ્યાન પ્રકૃતિની કૃપા, મહેરથી કુટુંબ- ગામ, ફળીયે સૌ સાજા માજા રહ્યા હોય વર્ષ દરમ્યાન પકવવામાં આવેલ ખેતીના ધાન ધન પ્રાપ્તિ પણ સારા પ્રમાણમાં થઇ હોય જેની ખુશીમાં કુદરતનો આભાર અભિવાદન માનવાં માટે નો તહેવાર એટલે હોળી. હોળી બાદ છોટાઉદેપુર જિલ્લાના અનેક ગામોમાં ચૂલના મેળાઓ યોજાય છે, જે પૈકીના એસ એફ હાઈસ્કૂલ પાછળ છોટાઉદેપુર ઉપરાંત ઝોઝ, પાધરવાંટ, અને રાયસિંગપુરા, ચીસાડીયા, ગુનાટા, તથા પાવીજેતપુરના પાણીબાર, ઝાબ, થાંભલા, કવાંટ તાલુકાના રુમડીયા, કનલવા, ગુગલીયા, બૈડીયા, ભુમસવાડા, નવાલજા, ચિલીયાવાંટ, ચાવરીયા, અસાર, નાખલના મુખ્ય ચૂલ ગણાય છે. આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ જગ્યાએ અસંખ્ય મેળાઓ યોજાય છે.
જ્યાં જ્યાં ચૂલના મેળાઓ યોજાય ત્યારે એક ગામથી બીજા ગામે ચાલતા પગપાળા મેળાની મોજ માણવા ઉમટેલા ખાસ કરીને યુવતીઓ દરેક ગામ પ્રમાણે અલગ અલગ રંગોમાં એક ડિઝાઇનર કપડાંમાં મેળાના ગીતો ગાતાં ગાતાં તેમજ ચાલું સાલે લગ્ન સંબંધો જોડાયા હોય તે ગામો પ્રમાણે ના ગીતો ગાતાં ગાતાં જેને ( લટવુ) તેમ પણ કહેવાય છે. અહીંના આદિવાસીઓ પ્રાચીન સમયથી પ્રકૃતિ પૂજક સમૂદાય રહ્યો છે, જે આજે પણ પોતે સાક્ષાત અને પ્રત્યક્ષ ખુલ્લી આંખે જોઈ શકાય અને જેનાં વગર જીવસૃષ્ટિ કલ્પના નહીં તેવા દેવોને પૂજવામાં માને છે, જેવા કે ધરતી, આકાશ, પવન અગ્નિ, પાણી, સુરજ- ચંદ્ર -તારા, ડુંગરો- પહાડો, નદીઓ, અનાજ ધાન્ય, ઢોર ઢાંખર અને સમગ્ર જીવસૃષ્ટિની પુજા કરે છે. અગ્નિ એ તેમાંનો જ એક દેવ છે, હોળી બાદ પ્રાચીન સમયથી ચૂલના મેળાઓ યોજાય છે ચૂલના મેળાઓમાં આદિવાસીઓ વર્ષ દરમ્યાન કોઈ પ્રકારની બીમારીઓને પોતાની આસ્થા થકી દૂર કરવા આવી હોય, અને સૌ સાજા માજા રહ્યા હોય તેમજ આવનારા નવા વર્ષના કોઈ પણ પ્રકારના રોગો કે આપત્તિઓ નહીં આવે, નાકની નસકોરી સુદ્ધા નહીં ફૂટે અને આવનાર વર્ષ ખુબ સારી રીતે આરોગ્યપ્રદ વીતે, પસાર થાય તેવી કામના ઓ માટે રાખવામાં આવેલ બાધા પૂર્ણ કરવા માટે ખાસ કરીને હોળી પ્રગટાવવામાં આવી હોય તેનાંથી સહેજ દૂર એક ચાર થી પાંચ ફુટ ઉંડો અને છ થી આઠ ફૂટ પહોળો ખાડો ખોદીને અગાઉ થી ખાસ કરીને ખેરના લાકડામાં અગ્નિ પ્રગટાવી ધગધગતા અંગારા પાડવામાં આવ્યા હોય છે, ત્યારબાદ ચૂલ ઉતરવાની બાધા રાખનારાઓને આખા શરીર પર હલ્દી લગાવીને વરરાજાની જેમ તૈયાર કરવામાં આવે છે અને ધોતીની અસાઢ ધરીને ઢોલીયા માદળ શરણાઈ ઢોલી સાથે ગામ પટેલ અને ડાહ્યા પૂજારાની આગેવાનીમાં ચૂલના ગીતો ગાતાં ગાતાં શોભાયાત્રા રુપે આદિવાસી દેવસ્થાન પર લઈ જવામાં આવે છે ત્યાં પૂજન વિધિ કરી ચૂલ ઉતરવાની જગ્યાએ લઈ જવા માં આવે છે, જ્યાં ગામના ડાહ્યા-પૂજારાએ ચૂલ ઉતરવાની જગ્યાએ જરૂરી પૂજન વિધિ કરીને હાથમાં તલવાર રાખીને સૌ પ્રથમ ખુલ્લા પગે ચાલીને ચૂલ ઉતરવાનો પ્રારંભ કરે છે ત્યારબાદ ગામના અન્ય લોકો જે ચૂલ ઉતરવાની બાધા રાખી હોય તે ચાલે છે, ચૂલ ઉતરનારએ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાર પાંચ ડગલાં ચાલીને માનતા પુરી કર્યા બાદ ચૂલમાંથી પગ ઉઠાવતાં વેંત જ મોટે થી કુરરરરરરુઉઉઉઊઊઊ… એમ કુરરાટી કરીને બાધા પૂર્ણ કર્યાની ખૂશી સાથે હાશકારો અનુભવે છે.
ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને ચૂલ ઉતરનાર વ્યક્તિને કોઈ પ્રકારની ઇજા પહોંચતી નથી, ચૂલ ઉતરવા ઉપરાંત ગામે ગામથી ઉમટેલા લોકો પોતાના પરંપરાગત આદિવાસી વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઈ પોતાનાં આદિવાસી વાજિંત્રો મોટલા ઢોલ વાંસળી ખળખસીયા ઘૂઘરા માદળ તથા હાથમાં તીર કામઠુ, ધારીયા,પાળીયા અને કડીવાળા ડિંગા રાખી મન મૂકીને નાચે છે, આમ આદિવાસીઓ માટે ચૂલના મેળાઓનુ આસ્થા સાથે સાંસ્કૃતિક રીતે પણ અનેરું મહત્વ છે.
હોળી બાદ ગોવાળ જવાનું બંધ કરી દેવામાં આવે છે અને ઢોર ઢાખર છુટ્ટા મુકી શકાય તેવી પ્રણાલી છે.
આદિવાસીઓ હંમેશા પ્રકૃતિના ઋતુચક્ર આધારિત તહેવારો ઉજવવામાં માનનારો સમૂદાય છે.
વર્ષ દરમ્યાન રાખવામાં આવેલ નોકર ચાકર હોળી સુધી જ બંધાયેલ ગણાય.
અડદના ઢેબરાં અને અડદના પાપડ ઉપરાંત ડુંડીયા મહુડાના ફૂલમાંથી તૈયાર કરવામાં આવેલ કોરી ભાટીની પહેલી ધાર પાડીને હોળી માતાનું આસ્થાભેર પૂજન કરવામાં આવે છે.

