તાપી: મોરારી બાપુએ પોતાની એક રામ કથા દરમિયાન સરકારને જાણકારી આપી છે કે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં મફત શિક્ષણના નામે આદિવાસી ભાઈઓ- બહેનોનું ધર્મ પરિવર્તન થઇ રહ્યું છે. જેને લઈને હર્ષ સંઘવીએ કડક આદેશો આપીને કાર્યવાહી કરવાની વાત કરી છે.
દક્ષિણ ગુજરાતમાં તાપીના સોનાગઢમાં કથા દરમિયાન મોરારિ બાપુને જાણકારી મળી હતી કે, અહીં આદિવાસીઓને ધર્મ પરિવર્તન કરાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. મોરારી બાપુએ પોતાની રજૂઆતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને જણાવતા કહ્યું કે દક્ષિણ ગુજરાતમાં મફત શિક્ષણ આપવાના બહાને કેટલાક લોકો આદિવાસી ભાઇ-બહેનનું ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં છે, જે ગંભીર બાબત છે. સરકારે આવા આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ સ્થાપવી જરૂરી છે.
સંઘવીએ આ રાજુવાતને ગંભીરતાથી લઈ કહ્યું કે, આદિવાસી ભાઈ-બહેનો ભગવાનનું બીજુ સ્વરૂપ છે, આદિવાસી ભાઈ-બહેનોને ખોટા રસ્તે લઈ જનારા સામે કાર્યવાહી થશે. ધર્મ પરિવર્તન કરાવી ફસાવાનો પ્રયાસ કરનારા કોઈ નહીં બચે. ઉલ્લેખનીય છે કે તાપીના સોનગઢ અને વ્યારા અને સુરતના માંડવી તાલુકામાં મોટી સંખ્યામાં ચર્ચ અને ખ્રિસ્તી ધર્મસ્થળો સ્થાપિત થયા છે. દરેક ગામમાં એક થી બે ચર્ચ અને પ્રાર્થના સ્થળો સ્થાપિત કરવામાં આવ્યા છે. અહી ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ડોલવણ અને ઉચ્છલમાં મોટી સંખ્યામાં આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. એક અંદાજ મુજબ સોનગઢ તાલુકામાં 500થી વધુ ચર્ચ, વ્યારા તાલુકામાં 200 થી વધુ ચર્ચ અને ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં 100-100 ચર્ચ બનાવવામાં આવ્યા છે.
‘મૂળમાં આદિવાસી લોકોનો કોઈ ધર્મ નથી તેઓ પ્રકૃતિના તત્વોને પૂજાનારા છે જે વાત સુપ્રીમ કોર્ટના ચુકાદામાં સાબિત કરવામાં આવી છે તો વારેવારે આદિવાસીઓને હિન્દુ ખ્રિસ્તી અને મુસલમાન જેવા ધર્મો સાથે કેમ સાંકળવવામાં આવે છે એ સમજાતું નથી.. આદિવાસીઓને આદિવાસી જ રેહવા દો’ શું મોરારી બાપુ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે બાયો તો નથી ચડાવી રહ્યા ને ? (આદિવાસી આગેવાનોમાં લોક્ચર્ચા)

