વેડછી: લોકસેવક શ્રી જુગતરામ દવે સંસ્થાપિત,ગાંધી વિદ્યાપીઠ વેડછી,જિ.તાપી મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ. ‘સાહિત્ય સેતુ,વ્યારા’ અને ‘સ્પર્શ નૉલેજ સેન્ટર,વ્યારા’ના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ વ્યાખ્યાન અને કવિ સંમેલનના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આદરણીય તરલાબહેન શાહ ઊપસ્થિત રહ્યાં હતાં.
ઉપસ્થિત વકતાઓ અને મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરીને નૈષધ મકવાણાએ સાહિત્ય સેતુ દ્વારા દક્ષિણ ગુજરાતમાં થતી કલા અને સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓની જાણકારી આપીને આજના દિનવિશેષની ઉજવણીના કાર્યક્રમની વિગત આપી હતી. ‘આદિવાસી પરંપરામાં નારી શક્તિ’ વિશે વાત કરતાં પરંપરાના સંશોધક અને લેખક શ્રી અરવિંદભાઈ ચૌધરીએ કહ્યું હતું કે આદિવાસીઓમાં દીકરી કે દીકરાનો ભેદભાવ જન્મ વખતે જ નથી રાખવામાં આવતો માત્ર બાળકના અવતરણનો આનંદ હોય છે.
સગાઈ, લગ્ન, સંસારિક જીવનના પ્રસંગો હોય તથા ઘરકામ, ખેતીકામ કે પશુપાલનના કામમાં પુરુષ અને સ્ત્રીની સરખી હિસ્સેદારી અને સરખી જવાબદારી હોય છે. વર્તમાન સમયમાં પણ તાપી જિલ્લામાં જેન્ડર રેશિયો 1000-પુ./1004-સ્ત્રીનો છે. જે ગુજરાતમાં પ્રથમ છે. તેઓએ એમ પણ ટકોર કરી હતી કે કહેવાતા ભણેલા અને નગરવાસી લોકોએ મહિલા સમાનતા અને સશક્તિકરણ વિશે આદિવાસીઓ પાસેથી શીખવું જોઈએ. ‘મહિલાઓના બંધારણીય અધિકારો’ વિશે એડવોકેટ એન્ડ નોટરી શ્રીમતિ કાશ્મીરાબહેન ગામીતે જાતીય સતામણી, ઘરેલુ હિંસા, સમાન કામ સમાન વેતન અને મિલકત વિષયક કાયદા સહિત મહિલાઓની સુરક્ષા વિષયક કાયદાકીય સમજણ આપી હતી.
આ અવસરે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ ત્રણ શાળાઓ પૈકી દ્વિતીય નંબરે મોડેલ સ્કૂલ ડોસવાડા, તાપી આવેલ છે. જેમાં ત્રણ લાખની પ્રોત્સાહક સહાય મેળવવા બદલ તાપી જિલ્લાની મોડેલ સ્કૂલના આચાર્યાશ્રી આશાબહેન ગામીતનું સ્મૃતિભેટ આપીને, શાલ ઓઢાઠીને સંસ્થાઓ તરફથી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરલાબહેન શાહે પોતાના પ્રસંગોચિત વક્તવ્યમાં મહિલા દિવસનું મહત્વ સમજાવીને વર્તમાન સમયમાં સ્ત્રીએ પોતાનો આત્મવિશ્વાસ કદી પણ ગુમાવવો નહીં અને આગળ વધવા માટે અડગ રહીને કામ કરવું પડશે.
મહિલાઓ ભલે વિકાસ કરે અને ચંદ્ર ઉપર જાય, પણ ‘સવારે ચા અને પરોંઠા બનાવીને જાય’ આવી દ્વિમુખી માનસિકતા ધરાવતા લોકોને કવિતાના ચાબખાની પણ જરૂર છે.એમ જણાવીને ‘કવિ સંમેલન’નું રસપ્રદ સંચાલન નૈષધ મકવાણાએ કર્યું હતું. ઉપસ્થિત કવિઓ સર્વશ્રી યોગેશ ઉપાધ્યાય, અનિલ મકવાણા, હેમંત પટેલ, સુરેન્દ્ર ગામીત, ચંદ્રસિંહ ચૌધરી, પ્રવીણા રાઠોડ, દીપિકા ચૌધરી, ક્રિષ્ના કટારા, પ્રા.ગીતા મકવાણા, આશા ગામીત, અને નૈષધ મકવાણાએ પોતાની સ્વરચિત કવિતાઓ પ્રસ્તુત કરી હતી. અને સૌએ શ્રોતાઓની દાદ મેળવી હતી. બી.એડ્ના તાલીમાર્થી બહેન, તૃષા ટંડેલે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

