નવસારી: નવસારીમાં હાલના સમયમાં પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે હયાત જળસ્ત્રોતો જેવા કે બોર-કુવાઓને રિચાર્જ કરવા માટે નક્કર કામગીરી કરવાની જરૂરિયાત જણાય છે. તે માટે ચોમાસામાં નકામા વહી જતા વરસાદી પાણીને વધુમાં વધુ જમીનમાં ઉતારીને ભુગર્ભ જળ ઉંચા લાવી શકાય તેવા પ્રયત્નો ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત હાથ ધરાયા છે.
Decision news ને મળેલી જાણકારી મુજબ કેન્દ્ર સરકારના જળશતિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા જ્યારે-જ્યારે આપણા ગુજરાત રાજ્ય કે નવસારી જિલ્લાની વખતો-વખતની મુલાકાત કે સમીક્ષા બેઠકો દરમ્યાન સતત ભુગર્ભ જળસ્તર ઉંચા આવે તે અંગેનાં સુચનો તેમજ અવનવી ટેકનીકથી ભુગર્ભમાં પાણી ઉતારવા માટે ખુબજ અગ્રીમતા આપવા અને સઘન પ્રયત્નો કરવાની રાજ્યના તમામ લગત ખાતાઓ જેવા કે, સિંચાઇ વિભાગ, પાણીપુરવઠા વિભાગ, જિલ્લા જળસ્ત્રાવ એકમ અને અન્ય વિભાગોને માર્ગદર્શન આપ્યું છે. જેના કારણે નવસારી જિલ્લાના જલાલપોર, નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા એમ 6 તાલુકાઓમાં જુદી-જુદી યોજનાઓ અંતર્ગત “ભુગર્ભ જળસંચય” ને લગતાં નવસારી જિલ્લામાં વિવિધ વિભાગોના સંકલન થકી 5222 જળ સંચયના પ્રોજેક્ટ કાર્યરત છે.
સૌથી વધુ તા.પં.કચેરી દ્વારા કામો હાથ ધરવામાં આવશે
(1) તાલુકા પંચાયત કચેરીઓ દ્વારા કુલ-3675 કામો, (2) પંચાયત સિંચાઇ વિભાગ દ્વારા કુલ-196 કામો, (3) જિલ્લા પ્રાથમિક શિક્ષણ રાખા દ્વારા કુલ-262 કામો, (4) જિલ્લા આરોગ્ય શાખા દ્વારા કુલ-10 કામો, (5) જિલ્લા જળસ્ત્રાવ એકમ દ્વારા કુલ-612 કામો, (6) માર્ગ અને મકાન વિભાગે (રાજ્ય) દ્વારા કુલ-23 કામો, (7) સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કુલ-08 કામો, (8) નવસારી અર્બન ડેવલમેન્ટ ઓથોરીટી દ્વારા કુલ-30 કામો અને (9) સ્વૈચ્છિક સંસ્થાઓની લોકભાગીદારી થકી કુલ-406 કામો હાથ પર લીધા છે.

