ગુજરાત: PM મોદી 2-3 માર્ચે ગીર અને જામનગર આવ્યા બાદ આજે (7 માર્ચ, 2025) ફરી ગુજરાત આવી રહ્યા છે. આમ તેઓ 4 દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે આવશે. સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે. તેમને આવકારવા માટે સુરત શહેર થનગની રહ્યું છે અને નવા રંગરૂપ પણ ધારણ કરી લીધા છે. તો બીજી તરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે.
Decision News ને મળેલી માહિતી મુજબ PM મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ 1.30 વાગ્યે પહોંચશે અને ત્યાંથી સેલવાસા જશે. સેલવાસામાં તેઓ 450 બેડની નમો હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેની સાથે જ 650 બેડની ક્ષમતા ધરાવતા બીજા તબક્કાનું ભૂમિપૂજન પણ કરશે. ગંગટોક બાદ દેશના બીજા નંબરના દરિયા કિનારે આવેલા દમણનું એડવાન્સ નાઇટ માર્કેટ, દેવકા કિનારે આવેલી ટોય ટ્રેન અને પંચાયત ઘર, દીવમાં સર્કિટ હાઉસ એમ ચાર અન્ય કાર્યોનું લોકાર્પણ કરશે. મોદી કુલ 2587 કરોડના વિવિધ પ્રોજેકટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. આ વડાપ્રધાનની છેલ્લા 10 વર્ષમાં દાદરા નગર હવેલીની ચોથી મુલાકાત છે.
સેલવાસાના કાર્યક્રમ બાદ પીએમ મોદી હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલિપેડ ખાતે આવશે. ત્યાંથી અંદાજે ત્રણ કિમી સુધીનો રોડ શો કરી લિબાયતના નીલગિરિ ગ્રાઉન્ડ પહોંચવાના છે. આ રોડ શો માટે 30 સ્ટેજ ઊભાં કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, જેમાં અંદાજે 1 લાખ લોકો ઊમટે એવી શક્યતા છે. શુક્રવારની સાંજથી લઈ શનિવારની સવાર સુધીમાં એટલે કે નવસારી જવા નીકળે ત્યાં સુધીમાં 28 કિમીના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે.

