વલસાડ: વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ મનહરભાઈ પટેલે વર્ષ 2024-25નું સુધારેલ અને 2025-26નું નવું વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. આ તેમનું બીજું બજેટ છે. બજેટમાં કુલ 1,64,301.81 લાખની સિલક અને 1,08,686.06 લાખના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ હિસાબે 55,615.75 લાખની પૂરાંત રહેશે. જિલ્લા પંચાયતના સ્વભંડોળની આવક 1029.82 લાખ છે.
વિવિધ ક્ષેત્રો માટે નોંધપાત્ર ફાળવણી..
વિકાસ કામો માટે 750 લાખ, શિક્ષણ માટે 77.13 લાખ અને આરોગ્ય માટે 16.90 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સમાજ કલ્યાણ માટે ₹20 લાખ, ખેતીવાડી માટે 20.50 લાખ અને પશુપાલન માટે 22 લાખ ફાળવવામાં આવ્યા છે. સિંચાઈ માટે 16 લાખ, મહિલા અને બાળ કલ્યાણ માટે 14.50 લાખ તથા આયુર્વેદ માટે 5.60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. બાંધકામ માટે 80.95 લાખ અને આંકડા અને સહકાર માટે 1.35 લાખનો અંદાજ રાખવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લા પંચાયતની આવકમાં વધારો કરવા માટે શોપિંગ સેન્ટર ડેવલપમેન્ટ માટે 490 લાખની વિશેષ ફાળવણી કરવામાં આવી હોવાનું કહેવાય રહ્યું છે. આ બજેટ લોકહિતને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ રીતે તૈયાર કરવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે વલસાડવાસીઓને Decision news ની અપીલ છે કે તમારા બજેટના રૂપિયા ચાંવ ન થઈ જાય અને તમારા બજેટના રૂપિયા વિકાસના કામોમાં વપરાઇ એની કાળજી તમારે રાખવાની છે.

