દમણ: દમણના એક ફાર્મહાઉસમાં સ્વિમિંગ પુલમાં નાહવા ગયેલા મિત્રોની મજા માણવાની પળો કરુણાંતિકામાં ફેરવાઈ ગઈ. વલસાડના રાખોડીયા તળાવની પાળ પાસે રહેતા પ્રકાશ ઉર્ફે પીસી પટેલ તેના 12થી વધુ મિત્રો સાથે 1 લી માર્ચ 2025ના રોજ દમણના ફાર્મહાઉસમાં ગયા હતા.
સ્વિમિંગ પુલમાં આનંદ માણી રહેલા મિત્રો પૈકી પ્રકાશ પટેલ અને બે મિત્રોએ પાણીમાં લાંબો સમય રહેવાની હરીફાઈ લગાવી. ત્રણેય એકસાથે પાણીમાં એક સાથે ડૂબકી મારી. થોડા સેકન્ડમાં 2 મિત્રો બહાર આવી ગયા, પરંતુ પ્રકાશ પટેલ બહાર ન આવતા મિત્રોએ તેને પાણીમાંથી બહાર કાઢયો.
મિત્રોએ તાત્કાલિક પ્રકાશને CPR આપવાનો પ્રયાસ કર્યો. તેને બચાવવા માટે તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જોકે, ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે આ ઘટનાને અકસ્માત મોત ગણી તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના ફાર્મહાઉસના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રકાશ પટેલના અકાળે અવસાનથી તેના પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

