વલસાડ: વલસાડમાં HDFC બેંકના ATM પર એક વન વિભાગના કર્મચારી સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે. ડાંગ વન વિભાગના કર્મચારી વલસાડની વનભવન ઓફિસમાં કામ માટે આવ્યા હતા. બપોરે તેઓ હાલર રોડ પર આવેલા HDFC બેંકના ATMમાંથી રૂપિયા ઉપાડવા ગયા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ કર્મચારી જ્યારે BOB એકાઉન્ટમાંથી રૂ.2,000 ઉપાડી રહ્યા હતા, ત્યારે કાળી ટોપી, જાંબલી ટી-શર્ટ અને કાળી જીન્સ પહેરેલો એક શખ્સ તેમની પાછળ આવ્યો હતો. શખ્સે કર્મચારીને કહ્યું કે તેમનું ટ્રાન્ઝેક્શન અધૂરું છે. તે પૂર્ણ કરવાના બહાને તેમનું ATM કાર્ડલઈને બદલી નાખ્યું હતું. થોડા સમય બાદ કર્મચારીના મોબાઈલ પર બે ટ્રાન્ઝેક્શનના મેસેજ આવ્યા હતા.એક રૂ.10,000નો અને બીજો રૂ.3,000નો હતો.
શંકા જતાં તેઓ HDFC બેંકમાં ગયા ત્યાં ખબર પડી કે તેમનું કાર્ડ બદલાઈને DATTATRAY MORE નામનું કાર્ડ આપી દેવાયું હતું.કર્મચારીએ તરત જ BOB આહવા શાખાના મેનેજરને જાણ કરી એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું. પરંતુ ત્યાં સુધીમાં રૂ.23,000 ઉપડાઈ ચૂક્યા હતા. પછીથી ATM પર પરત ફરતાં તેમણે શખ્સને જોયો અને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે ભાગી છૂટ્યો હતો. CCTV ફૂટેજમાં બે શખ્સો દેખાયા છે, જેમાં એક ATMની અંદર અને બીજો બહાર નજર રાખી રહ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

