નસવાડી: નસવાડી તાલુકાના 10થી વધુ ગામોના લોકોની જમીનોનો અચાનક સર્વે હાથ ધરાતા આદિવાસીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ક્યાં કારણોસર જમીન સર્વે કરાય છે તેનો કોઇ જવાબ સરપંચ કે તલાટી અથવા મામલતદાર પાસે નહી મળતાં આદિવાસીઓ ઢોલ નગારા સાથે નસવાડી મામલતદાર કચેરીએ પહોંચી ગયા હતા અને સર્વેની કામગીરી બંધ નહી કરાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ નસવાડી તાલુકાના છેવાડે આવેલા નર્મદા નદી કાંઠાના વિસ્તારોમાં 10 જેટલા ગામોમાં કેન્દ્ર સરકારના તાબાના કર્મચારીઓ જમીનોનો સર્વે કરવા માટે આવે ત્યારે ગ્રામજનો સર્વેની કામગીરી અટકાવી કર્મચારીઓને ખદેડી મૂક્યા હતાં. છેલ્લા કેટલાક દિવસોથી હેલિકોપ્ટર દ્વારા પણ ફોટોગ્રાફી કરવામાં આવતા આદિવાસીઓમાં રોષ હતો.જમીનોનો સર્વે કરવા માટે કોણ આવે છે તેની જાણ સ્થાનિક તંત્રને પણ નથી.
ગ્રામ પંચાયતમાં પણ જમીન સંપાદન કરવા માટે કોઇ ઠરાવ કરાયો નથી તેમ છતાં વારંવાર સર્વેની કામગીરી હાથ ધરાતા આજે આદિવાસીઓ ઉગ્ર બન્યા હતા અને ઢોલ નગારા સાથે નસવાડી તાલુકા સેવાસદન આવીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતુ. આદિવાસી સમાજના લોકોએ ચીમકી આપી છે કે સર્વેની કામગીરી બંધ નહિ કરવામાં આવે તો સર્વે કરવા આવનાર અધિકારીઓ સાથે કોઈ ઘટના બને તેની જવાબદારી સરકારની રહેશે. આ કામગીરી બંધ નહિ કરવામાં આવે તો તાલુકા મથક ઉપર આવેલી કચેરીઓમાં ઘરણા કરીશું. તંત્ર વહેલી તકે પગલાં નહિ ભરે તો હજારો આદિવાસી લોકો રોડ ઉપર ઉતરશે.

