ગુજરાત: અમદાવાદના શેલામાં હચમચાવી નાખતી ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર એક યુવતીએ 13 વર્ષ અગાઉ સગાઇ તોડી નાખનારા યુવકને પોતાની કારથી ટક્કર મારી હતી. એટલું જ નહી યુવતીએ યુવકને ટક્કર માર્યા બાદ છરીના ઘા મારતા ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. યુવકે 13 વર્ષ અગાઉ સગાઈ તોડી દેતા યુવતીએ હુમલો કર્યાનો આરોપ છે. નોંધનીય છે કે 25ફેબ્રુઆરીએ શેલા ભારત પેટ્રોલ પંપ સામે ઘટના બની હતી.
Decision news ને મળેલી જાણકારી અનુસાર, 25 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના શેલા વિસ્તારમાં એક યુવતીએ કારથી ટક્કર માર્યા બાદ છરીના ઘા મારતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તપાસમાં ખુલાસો થયો હતો કે યુવકે 13 વર્ષ પહેલા યુવતી સાથે સગાઇ તોડી હતી. શેલામાં રહેતા યુવકની સગાઈ 13 વર્ષ પહેલા મહેસાણાની યુવતી સાથે થઈ હતી. જો કે મનમેળ ન બેસતા યુવકે સગાઈ તોડી નાખી હતી. જે બાદ યુવકે પણ લગ્ન કરી દીધા અને યુવતી પણ લગ્ન કરી સાસરીમાં રહેવા જતી રહી હતી.
જો કે વર્ષ 2024માં દિવાળી સમયે અચાનક યુવતીએ યુવકનો ફોન કરીને સંપર્ક કર્યો હતો અને પરિવારના ખબર અંતર પૂછવાના બહાને વાતચીત શરૂ કરી હતી. યુવકે ફોન કરવાની ના પાડીયા બાદ પણ યુવતી સતત ફોન કરતી હોવાથી યુવકે નંબર બ્લોક કરી દીધો હતો. જેનો ગુસ્સો રાખીને 25 ફેબ્રુઆરીએ યુવતીએ કારથી યુવકનો પીછો કરી શેલા પહોંચી હતી. જ્યાં પાછળથી ટક્કર મારતા યુવક નીચે પટકાયો હતો. જે બાદ યુવકે ભાગવાનો પ્રયાસ કરતા યુવતીએ છરીના ત્રણ ઘા ઝીકી દેતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. હાલમાં યુવકની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

