ઉમરગામ: ઉમરગામ તાલુકાના સરીગામના આગેવાન નરેશ ઓઝરીયા તથા તેમની ધર્મપત્નિ તથા અન્ય 20-25 આગેવાનોને જમીન ખેડાણ બાબતે ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી જેની જાણ થતાં સાથી મિત્રો ડો. પ્રફુલ વસાવા, ઉત્તમભાઈ વસાવા, એડ. જીમ્મી પટેલ, જયેશભાઈ(સ્થાનિક આગેવાન) સહિત અન્ય કાર્યકરો સાથે ઉમરગામ તાલુકા કોર્ટે પહોંચીને ધરપકડ કરાયેલા તમામ આગેવાનો અને કાર્યકરોને હિંમત તથા સાંત્વના આપી.
સ્થાનિક લોકો અને આગેવાનો પાસેથી Decision news ને મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું કે નરેશ ઓઝરીયા તથા અન્ય લોકોની વડીલો પાર્જિત જમીન કે જે કોઈ ટ્રસ્ટ દ્વારા ગેરકાયદેસર કબ્જો મેળવી લીધો હતો તે જમીન પરત મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી અને એ અનુસંધાને સ્થાનિક પોલીસ પ્રશાસન સાથે થોડી ઘણી રકજક થઈ હતી. જેથી પોલીસ દ્વારા એમના પર ફરીયાદ નોંધાવવામાં આવી અને અન્ય ગેરવ્યાજબી કલમો પણ લગાવી હેરાનગતી કરવામાં આવી રહી છે.જેથી આગેવાનો સાથે ચર્ચા કરી ફરીયાદમા અગર ગેરરીતિ આચરવામાં આવી હશે તો તેને ચેલેન્જ કરવા તથા હાઇકોર્ટેમા આ ફરિયાદને કવોશ કરવા માટેની તૈયારી પણ એડવોકેટ મિત્રો દ્વારા કરવામા આવી છે.
મોટા ભાગના આદિવાસી વિસ્તારોમાં બિન આદિવાસીઓ દ્વારા ખોટા કાગળો બનાવીને, લોકોને ખોટી રીતે છેતરીને તથા ખોટી લોભલાલચ આપીને અમુલ્ય જમીનો પડાવી લેવામાં આવી છે તથા એ જ જમીન પર આદિવાસીઓને નજીવા પગારે મજુરી કામ માટે રાખીને એમનુ શોષણ કરવામાં આવી રહ્યું છે તથા સરકારી પ્રશાસનને પણ એમા સહભાગી બનાવવાની તજવીજ ચાલતી હોય છે.આ બાબતે ટુંક સમયમાં યોગ્ય પગલા ભરવા માટે મિટિંગ બોલાવી રણનીતિ કરવામાં આવશે તથા ખોટી રીતે હેરાન કરનારા સરકારી કે પોલીસ પ્રશાસનના કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની વિચારણા કરેલ છે.

