ડાંગ: ડાંગ જિલ્લાનાં આહવા-વઘઈ માર્ગ પર નડગખાદી- હનવંતચૌંડ ફાટક પાસેનાં ઘાટમાં પીકઅપ ગાડી પલ્ટી મારી જતા શોર્ટ સર્કિટ થતા સ્થળ પર પીકઅપમાં આગ લઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચતા 108માં આહવા સિવિલ હોસ્પિટલે લઈ જતા રસ્તામાં જ મોત નિપજ્યું હતું. ડાંગ જિલ્લાનાં ઘાણીઆંબા ગામના કેટલાક મજૂરો તાપી જિલ્લાના વાલોડના અંબાચ ગામે કોલા એટલે કે ગોળ બનાવાના કામે ગયા હતા.

Decision news ને મળેલી માહિતી મુજબ મજૂરો ગુરુવારે મજૂરી કરી ઘરે પરત ફરવા પીકઅપ (નં. GJ-26-T-9172) માં સવાર થઈને લગભગ સાંજે 3.30 વાગ્યાના અરસામાં આહવા-વઘઈ માર્ગ પર નડગખાદી ગામ પાસેનાં હનવતચૉડ ઘાટમાંથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ ગાડીના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પીકઅપ પલટી ગઈ હતી અને જગ્યા પર જ આગ ભભૂકી ઉઠી હતી. ગાડીમાં 6 વ્યક્તિ સવાર હતા. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળ પર આવી સ્થાનિક આગેવાન રવિન્દ્રભાઈ ભિવસને તાત્કાલિક ઈજાગ્રસ્તોને બહાર કઠાવ્યા હતા.

આ અકસ્માતમાં ડ્રાઇવર અને એક મહિલાને ઇજા પહોંચી હતી.ડાંગ પોલીસ કંટ્રોલ નંબર 100 પર બનાવની જાણ કરી હતી. આહવા પીએસઆઈ.એમ.જી. રોખ તથા હેડ કોન્સ્ટેબલ રમણીકભાઈ મકવાણા, દિનેશભાઈ પાંડુભાઈ, જગદીશભાઈ ભીલાભાઈ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઈજાગ્રસ્તોને 108માં આહવા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં હારપાડાના વતની રવિનાબેન બકારામભાઈ બાગુલનું ગંભીર ઈજાને મોત નિપજ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના અંગે વઘઈ પોલીસે આગળની તપાસ ચાલુ કરી છે.