વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના દોલધા ગામના પેટ્રોલ પંપ પાસે મોડી રાત્રે કંબોયા ગામેથી લગ્નમાંથી ઘરે પરત ફરતા કાર ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર રોડથી નીચે ઉતરી જઈ પલ્ટી મારી ગઈ હતી. જેમાં કારમાં સવાર માંથી 14 વર્ષીય સગીરનું ગંભીર ઈજાને પગલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.
Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના દોલધા ગામના સડક ફળિયામાં રહેતા કેયુર સુનિલભાઈ પટેલ (ઉ.વ. 14) કુટુંબી મામા દિલીપભાઈ પટેલ અને તેમનો છોકરો અંશકુમાર સાથે કાર (નં. GJ – 21 CB – 1657) માં રાત્રે કાંબોયા ગામે લગ્નમાં ગયા હતા. લગ્ન પતાવી રાત્રે 3 કલાકે તેઓ કારમાં ઘરે પરત આવી રહ્યાં હતાં. એ દરમિયાન કાર ચાલક દિલીપભાઈએ કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડના ડીવાયડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કેયુર પટેલને મોઢાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેને 108 એમ્બ્યુલન્સમાં ચીખલી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતુ.
જ્યારે કારમાં સવાર અન્ય બે જણાને ઈજા થઈ ન હતી. મરનારના પિતા સુનિલભાઈ ગુલાબભાઈ પટેલ ( રહે. દોલધા) એ વાંસદા પોલીસમાં કાર ચાલક દિલીપભાઈ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

