વલસાડ: વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંડી ઓવરબ્રિજ પાસે એક ગંભીર ઘટના સામે આવી છે. ઓવરટેક કરવાના મુદ્દે ત્રણ શખ્સોએ બાઈક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો. ભાર્ગવકુમાર જીતેન્દ્રભાઈ પટેલ નામના યુવક પર ઓટો રિક્ષામાં સવાર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો.

Decision News મળેલી માહિતી મુજબ આરોપીઓએ ભાર્ગવકુમારની છાતી પર ચપ્પુથી હુમલો કર્યો અને ડાબા હાથની ટચલી આંગળી પર ઈજા પહોંચાડી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ ઈજાગ્રસ્ત યુવકને મદદ કરી હતી. વલસાડ SP ડૉ. કનરાજ વાઘેલા અને DYSP ભાર્ગવ પંડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસે કાર્યવાહી શરૂ કરી.

CCTV ફૂટેજની મદદથી ડુંગરી પોલીસના HC પ્રમોદ શાલિગ્રામને મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લીધા. પકડાયેલા આરોપીઓમાં રીઝવાન શેખ (ઉ.35), ઉમર યાસીન શેખ (ઉ.38) અને વિપુલ ગામીત (ઉ.25)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા, ચપ્પુ અને બે મોબાઈલ ફોન કબજે કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું કે આ ત્રણેય આરોપીઓ સુરત કોસબા અને ગણદેવી વિસ્તારમાં 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા છે. ડુંગરી પોલીસે આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.