ગુજરાત: 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપે વિકાસ કર્યો કે વિનાશ કર્યો એ સમજાતું નથી. હાલ ચાલી રહેલા વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાતના જાહેર દેવાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતનું જાહેર દેવુ વર્ષ 2023-24 ના સુધારેલા અંદાજ પ્રમાણે 3.77 લાખ કરોડ થઈ ગયું છે. વર્ષ 2022-23 માં રાજ્ય સરકારે 23,442 કરોડ વ્યાજ તો રૂપિયા 22,159 કરોડ મુદ્દલની કરી ચૂકવણી કરી છે.વર્ષ 2023-24 માં રાજ્ય સરકારે 25,212 કરોડ વ્યાજ, તો રૂપિયા 26,149કરોડ મુદ્દલની ચૂકવણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્ન પર સરકારે ગૃહમાં આ જવાબ આપ્યો હતો. પરંતું વિકાસશીલ રાજ્ય પર આટલું બધું દેવું હોય તો વિચારવા જેવું છે કે, ગુજરાત પર 4 લાખ કરોડનું દેવું છે.
જો દેવાની વાત આવે એટલે લોકોના મનમાં સૌથી પહેલો વિચાર EMI અને વ્યાજનો આવે છે.ગુજરાત ઉપર 4 લાખ કરોડનું દેવું છે અને એના વ્યાજનો હપ્તો દર મિહને 2162 કરોડનો છે. દર મહિને 2162 કરોડ રૂપિયા સરકાર દ્વારા જાહેર દેવાંના વ્યાજ રૂપે ચૂકવવામાં આવે છે. જો ગુજરાત મોડલ અને વિકાસની વાતો કરીએ તો આ ઘી પીને દેવું કરવા જેવી હકીકત છે.ગુજરાત સરકારે રાજ્ય પરના દેવાના આંકડા આપ્યા છે, તેના પરથી કહી શકાય છે આખું ગુજરાત લોન પર ચાલે છે. લોન લઈને ગુજરાતમાં વિકાસ કરવામાં આવે છે. ગુજરાત સરકારના વર્ષ 2025-26 ના બજેટમાં જાહેર દેવા પર વ્યાજની ચૂકવણી 25944 કરોડ હોવાનું જણાવાયું. એટલે કે આ રકમને પ્રતિ માસ ગણવામા આવે તો દર મહિને 2162 કરોડ રૂપિયા સરકાર દ્વારા જાહેર દેવાના વ્યાજરૂપે ચૂકવવામાં આવે છે. એટલું જ નહિ, છેલ્લા 10 વર્ષમાં જાહેર દેવાના વ્યાજ રૂપે ચૂકવાતી રકમમાં 80 ટકાનો વધારો થયો છે.
ગુજરાત પર ક્યાં વર્ષમાં કેટલું દેવું
વર્ષ 2025-26 માં રાજ્ય સરકારનું દેવું 4.55 લાખ થઈ જવાનો અંદાજ છે. જે બતાવે છે કે, ત્રણ વર્ષમાં ગુજરાત પરના દેવામાં આશરે 30 ટકાનો વધારો થયો છે. ગુજરાતની વસ્તી મુજબ ગણતરી માંડીએ તો, ગુજરાતની વસ્તી 7.25 કરોડ છે. તેની સામે દેવું 4 લાખ કરોડ છે. એટલે કે દરેક ગુજરાતીના માથા પર 55,172 રૂપિયા દેવું છે. તો એક પરિવારના માથે 2.59 લાખનું દેવું થયું કહેવાય.એક તરફ ગુજરાતના વિકાસની વાતો કરાય છે. ગુજરાત મોડલનું વૈશ્વિક સ્તરે બ્રાન્ડિંગ કરાય છે. પણ શું આ ગુજરાત મોડલ છે. એક તરફ ગુજરાતની અનેક નગરપાલિકાઓનું દેવાળું ફૂકાયું છે. વિકાસના નામે કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે સરકાર કેવી રીતે દેવામુક્ત થશે.
દેવું કરો અને ગુજરાતને કોઈ ફાયદો નહિ તેવી પરિસ્થિતિ -કોંગ્રેસ
શક્તિસિંહ ગોહિલે રાજ્યના વધતા દેવા અંગે સરકાર પર પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે, લોકશાહી લોકો માટે ચૂંટાયેલું ગૃહ ત્યાં કોઈ પણ સરકાર જવાબદેહી હોય. રાજ્યના બજેટને વિધાનસભા અને કેન્દ્રમાં પાર્લામેન્ટ મંજૂરી ન આપે. દુઃખ સાથે કહેવું પડે કે વિધાન સભામાં બજેટ રજૂ થયું, તે 3 લાખ 73 હજાર કરોડની વાત કરાઈ છે. પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના રિપોર્ટ મુજબ આપેલા આંકડાનો ઉલ્લેખ પ્રમાણે ગુજરાતનું દેવું વધારે છે. વિધાનસભામાં અપાયેલ આંકડા અને આ આંકડા ખૂબ અલગ છે. હું નાણાંમંત્રી રહ્યો હતો ત્યારે ચોક્કસ આંકડા અપાતા હતા. ગુજરાતમાં મહાત્મા ગાંધીની વાત કરીએ છીએ ત્યારે પહેલા દેવું ન કરતા અને ઓવર ડ્રાફ્ટ લેતા. હાલ સરકાર દેવું કરે છે. કૉંગ્રેસની સરકાર હતી ત્યારે દેવું ન હતું. છેલ્લે 10 હજાર કરોડ દેવું હતું. વર્ષ 2007 માં 90 હજાર કરોડ દેવું હતું. વર્ષ 2025માં 4 લાખ 94 હજાર કરોડ ઉપર દેવું થશે તેવો અંદાજ છે. દેવું કરો અને ગુજરાતને કોઈ ફાયદો નહિ તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

