ઝઘડિયા: ગતરોજ ઝઘડિયા સ્થિત સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ ખાતે આજરોજ ઝઘડિયા પોલીસ દ્વારા આગામી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરિક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ ભયમુક્ત થઇને મુક્તમને પરીક્ષા આપી શકે તે માટે કાઉન્સેલીંગ કરવામાં આવ્યું તેમજ કેરિયરલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. આયોજિત કાર્યક્રમમાં ઝઘડિયા પીઆઇ એન.આર.ચૌધરી, શાળાના આચાર્ય કૌશિક વસાવા, અન્ય પોલીસ સ્ટાફ, શિક્ષકો તેમજ બોર્ડ પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ કાર્યક્રમ અંતર્ગત ધો.10 અને12 ની પરિક્ષા આપનાર કુલ 300જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શિક્ષણ પુર્ણ થયા બાદ માધ્યમિક સ્તરે ધો.10 ની બોર્ડ પરિક્ષા વિદ્યાર્થી જીવનમાં આગળની શૈક્ષણિક કારકીર્દિ માટે મહત્વની મનાય છે. તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્તરે ધો.12 ની બોર્ડ પરિક્ષા પણ ત્યારબાદની વિવિધ શૈક્ષણિક કારકીર્દિ માટે મહત્વના સ્થાને રહેલી હોય.

બોર્ડની પરિક્ષા શરુ થતાં અગાઉના દિવસો દરમિયાન પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓ ઘણીવાર પરિક્ષાના ડરથી માનસિક તણાવ અનુભવતા હોય છે,ત્યારે આવા સંજોગોમાં વિદ્યાર્થીઓ તણાવ મુક્ત થાય અને તેમના મનમાંથી પરિક્ષાનો ડર દુર થાય તે માટે તેમને યોગ્ય માર્ગદર્શન અને પ્રોત્સાહનની જરૂર હોય છે,ત્યારે ઝઘડિયા પોલીસ દ્વારા બોર્ડની પરિક્ષા આપનાર વિધ્યાર્થીઓ માટે પરિક્ષાલક્ષી માર્ગદર્શન આપવા માટે શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ જરૂરી માર્ગદર્શન મેળવી ખુશી અનુભવી હતી. કાર્યક્રમ બાદ ઉપસ્થિત તમામ માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.